શું તમારી ‘તુલસી’ પણ સુકાઈ રહી છે ? આ રીતે તેને ફરીથી કરો ‘લીલીછમ’
ભારતીય આંગણામાં આસ્થાનું પ્રતીક ગણાતી તુલસી કેટલીકવાર પીળી પડીને સુકાવા લાગે છે. પાંદડા પર દેખાતા સફેદ જાળાં અને ચીકણા ડાઘ જોઈને આપણને લાગે છે કે, હવે આ છોડ નહીં બચે. એવામાં શું તમે જાણો છો કે, મોંઘી દવાઓ વગર માત્ર રસોડાની જ કેટલીક સામાન્ય વસ્તુઓ આ હર્યા-ભર્યા છોડને નવજીવન આપી શકે છે?

ભારતીય ઘરોમાં તુલસીનો છોડ માત્ર એક છોડ નથી પરંતુ આસ્થા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સવાર-સાંજની પૂજા હોય કે ઘરની શુદ્ધ હવા, તુલસી દરેક સ્વરૂપમાં મહત્વપૂર્ણ છે. હવે આ બધા વચ્ચે અવારનવાર લોકો ફરિયાદ કરે છે કે, અચાનક તુલસીના પાંદડા પર નાના-નાના જીવડાં, સફેદ જાળાં અથવા ચીકણા ડાઘ દેખાવા લાગે છે. એવામાં જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આખો છોડ સુકાઈ પણ શકે છે. સારી વાત એ છે કે, કેટલાક સરળ ઘરેલું ઉપાયો અપનાવીને તુલસીને ફરીથી સ્વસ્થ બનાવી શકાય છે.

તુલસીમાં જીવાત લાગવાનું સૌથી મોટું કારણ વાતાવરણમાં ભેજ, વધુ પડતું પાણી આપવું, હવાની યોગ્ય અવરજવર ન હોવી અથવા છોડને ઓછો તડકો મળવો તે છે. સામાન્ય રીતે એફિડ્સ (લીલી જીવાત), માઈટ્સ, વ્હાઈટ ફ્લાય અને નાના કાળા જીવડાં 'તુલસી'ને નુકસાન પહોંચાડે છે. આ પાંદડાનો રસ ચૂસી લે છે, જેનાથી પાંદડા પીળા પડવા લાગે છે અને ધીમે-ધીમે ખરી જાય છે.

જો તુલસીમાં જીવાત દેખાય તો સૌથી પહેલા લીમડાનો ઉપયોગ કરો. 1 લીટર પાણીમાં 1 ચમચી લીમડાનું તેલ અથવા લીમડાના પાન ઉકાળીને ઠંડુ પાણી 'સ્પ્રે બોટલ'માં ભરી લો. આ દ્રાવણને પાંદડાની ઉપર અને નીચે સારી રીતે છાંટો. લીમડો પ્રાકૃતિક કીટનાશક હોય છે. તેની ગંધ અને તત્વો જીવાતોને તરત જ દૂર કરી દે છે તેમજ છોડને કોઈ નુકસાન પણ થતું નથી.

આ સિવાય હળવા લિક્વિડ સાબુના 3-4 ટીપાં 1 લીટર પાણીમાં ભેળવીને પણ સ્પ્રે કરી શકો છો. આ દ્રાવણ પાંદડા પર રહેલા જીવડાંને હટાવવામાં મદદરૂપ સાબિત થાય છે. બસ ધ્યાન રાખો કે, વધારે સાબુ ન નાખવો, નહીં તો પાંદડા બળી શકે છે. ખાલી અઠવાડિયામાં 1 વાર જ આનો ઉપયોગ કરો.

વધુમાં તમે 2-3 લસણની કળી અને 1 લીલું મરચું પણ પીસીને પાણીમાં ભેળવી શકો છો અથવા તો ગાળીને સ્પ્રે કરી શકો છો. આની તીવ્ર ગંધ જીવાતો બિલકુલ સહન કરી શકશે નહીં અને બધા જ જલ્દી ગાયબ થઈ જશે. આ ઉપરાંત લોકો તુલસીમાં લાકડાની રાખ અથવા હળદરનો હળવો છંટકાવ કરતા આવ્યા છે, જે માટીમાં ફૂગ બનતી અટકાવે છે અને જીવાતોને દૂર રાખે છે.

જીવાતો હટાવ્યા પછી છોડના મૂળમાં છાણનું ખાતર, વર્મીકમ્પોસ્ટ અથવા સૂકા પાંદડાનું ખાતર નાખો. આનાથી તુલસીનો ગ્રોથ ઝડપી થાય છે અને નવી કૂંપળો જલ્દી નીકળે છે. તુલસીને દવા કરતા વધારે દેખભાળની જરૂર હોય છે. સાફ વાતાવરણ, યોગ્ય તડકો અને સંતુલિત પાણી મળી રહે તો જીવાતો જાતે જ દૂર રહે છે. ઘરેલું ઉપાયો નિયમિત રીતે અપનાવવાથી તુલસીનો છોડ આખું વર્ષ લીલોછમ અને સુગંધિત બની રહે છે.
ઉનાળામાં બીલી કે સત્તુ? કયું પીણું છે વધુ પૌષ્ટિક, જાણો એક્સપર્ટની સલાહ
