એલ્યુમિનિયમ ફોઇલ ફેંકી દેતા પહેલા, તેના ફાયદા જાણી લો, તમે પણ ફેંકવાનું બંધ કરી દેશો!
ઘણા લોકો ટિફિનમાં પરાઠા કે રોટલી લપેટવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરે છે, જેથી તે ગરમ રહે. જોકે, મોટાભાગના લોકો તેને ઉપયોગ કર્યા પછી તરત જ ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બચેલું ફોઇલ તમારા ઘરના ઘણા મુશ્કેલ કાર્યોને પળવારમાં પૂરા કરી શકે છે? રસોડાના આ સરળ હેક્સ તમારી મહેનત અને સમય બંને બચાવશે. તો, ચાલો જાણીએ એલ્યુમિનિયમ ફોઇલના 5 એવા અદ્ભુત ઉપયોગો, જેનાથી તમે તેને ફેંકતા બંધ થઈ જશો.

લોખંડ પરનો કાટ દૂર કરો - જો કોઈ લોખંડ કે ધાતુની વસ્તુને કાટ લાગ્યો હોય, તો તેને સાફ કરવા માટે ફોઇલનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ ફોઇલનો એક નાનો ટુકડો લો અને તેને બોલ (ગોળા) જેવો વાળી દો. આ બોલને કાટ લાગેલી જગ્યા પર ઘસો. ફોઇલની ઘર્ષણ શક્તિથી કાટ તરત જ દૂર થઈ જશે.

સ્ટીલના નળ પરના ડાઘ સાફ કરો - બાથરૂમમાં સ્ટીલના નળ પર પાણીના સફેદ ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા માટે ફોઇલ ખૂબ જ કામનું છે. ફોઇલના ત્રણ-ચાર પડ લઈને તેને સ્ક્રબ જેવો આકાર આપો. આ ફોઇલના સ્ક્રબથી નળને ઘસો. નળ પરના ડાઘ સરળતાથી સાફ થઈ જશે અને નળ ચમકી ઉઠશે.

કાતરને શાર્પ કરો - જો તમારી કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય અને તે બરાબર કપાતી ના હોય, તો આ હેક અપનાવો. એલ્યુમિનિયમ ફોઇલને ત્રણથી ચાર સ્તરોમાં રોલ કરીને જાડો બનાવો. આ ફોઇલને કાતર વડે વારંવાર થોડી મિનિટો માટે કાપો. આનાથી કાતરના બંને ફલક એકબીજા સાથે ઘસાશે અને કાતરની ધાર ફરીથી તીક્ષ્ણ બની જશે.

ચાંદીના દાગીના સાફ કરો - ટિફિનમાંથી બચેલા ફોઇલથી તમે તમારા ચાંદીના દાગીનાને પણ ચમકાવી શકો છો. એક વાસણમાં એલ્યુમિનિયમ ફોઇલ પાથરો અને તેમાં ફોઇલના નાના ગોળા બનાવીને મૂકો. વાસણમાં પાણી, ચાંદીના દાગીના, બેકિંગ સોડા અને થોડું શેમ્પૂ ઉમેરો. આ પાણીને ગરમ કરો અને દાગીનાને 10-15 મિનિટ સુધી પલાળી રાખો. પછી નરમ બ્રશથી ઘસીને સૂકવી દો. તમારા દાગીના પરના ડાઘ દૂર થઈ જશે.

ગેસની ગ્રીલને પવનથી બચાવો અને દીવાલને તેલથી સાફ રાખો - પવનને કારણે ગેસની જ્યોત વારંવાર ઓલવાઈ જતી હોય તો, તમે ચૂલાની આસપાસ એલ્યુમિનિયમ ફોઇલ મૂકીને પવનથી રક્ષણ મળે છે, તેમજ જો તમે ફોઇલને ચૂલાની ફરતે થોડું ઊંચું રાખો, તો શાકભાજી કે અન્ય વસ્તુઓ તળતી વખતે તેલના છાંટા દીવાલ પર નહીં પડે. આનાથી સફાઈનું કામ પણ ઘણું ઓછું થઈ જાય છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
