ચાંદીની ચમક મોખરે, રોકાણકારો પણ ‘ચાંદી-ચાંદી’ થઈ ગયા
ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં આવેલ આ ઉછાળો બજારમાં સ્થાનિક અને વૈશ્વિક માંગમાં વધારો થવાનો સંકેત હોય તેવું કહી શકાય. રોકાણકારો ચાંદીમાં વધુ રસ દાખવી રહ્યા છે અને સપ્લાયમાં થયેલ સુધારાને કારણે હાલ ચાંદી એક મજબૂત રોકાણ વિકલ્પ છે.

શુક્રવારે નવી દિલ્હીમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોની ખરીદીને કારણે ચાંદીનો ભાવ 3,000 રૂપિયા વધીને 1,07,100 રૂપિયા પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

આની પહેલા ગુરુવાર 5 જૂનના રોજ ચાંદીનો ભાવ 2,000 રૂપિયા વધીને 1,04,100 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

2024ની શરૂઆતથી જ ચાંદીના ભાવમાં 17,400 રૂપિયા પ્રતિ કિલો અથવા લગભગ 19.4 ટકાનો વધારો નોંધાયો છે. આ વધારો દર્શાવે છે કે, ચાંદીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને રોકાણકારો આમાં રસ દાખવી રહ્યા છે.

'MCX'માં જુલાઈ ડિલિવરી માટે સૌથી વધુ ટ્રેડ થયેલ ચાંદીનો કોન્ટ્રેક્ટ 1,622 રૂપિયા વધીને 1,06,065 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર ડિલિવરી માટેના કોન્ટ્રેક્ટમાં પણ ₹1,650નો વધારો નોંધાયો છે, જેના કારણે ભાવ ₹1,07,130 પ્રતિ કિલોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

આ સિવાય ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામે 99,690 રૂપિયા રહ્યો અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 99,100 રૂપિયા રહ્યો છે.

શુદ્ધતાના આધારે સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. MCX પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો ભાવ 44 રૂપિયા ઘટીને 97,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું 0.22 ટકાના વધારા સાથે US $ 3,360.05 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

કોટક સિક્યોરિટીઝના AVP-કોમોડિટી રિસર્ચ કાયનત ચૈનવાલાએ જણાવ્યું કે, યુએસ નોન-ફાર્મ રોજગાર ડેટા (નોનફાર્મ પેરોલ્સ) પહેલા જ રોકાણકારો સાવચેત થયા છે, જેના કારણે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.

તેમણે કહ્યું કે, ચાંદીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ સપ્લાય અને ડિમાન્ડમાં સુધારો તેમજ રોકાણકારોનો વધતો રસ છે. કાયનતે એ પણ કહ્યું કે, ચાંદી 13 વર્ષમાં તેના હાઈ પર પહોંચી છે, જે આર્થિક અને બજારના દૃષ્ટિકોણથી એક ખાસ સંકેત છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































