ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી ? જાણો શું થયું પક્ષપલટુઓનું
લોકસભા ચૂંટણીના પરિણામો સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે. ત્યારે આ લેખમાં જાણી લઈએ કે કઈ બેઠક પર કોણે બાજી મારી છે અને પક્ષપલટો કરીને આવેલા નેતાઓમાં કોણ જીત્યા અને કોણ હાર્યા છે.

પોરબંદર પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડીયાની જીત થઈ છે. અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 મત મળ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને હરાવ્યા છે.

માણાવદર પેટાચૂંટણીની વાત કરીએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે.

મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર ભાજપના સી.જે.ચાવડાની જીત થઇ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સી.જે ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. આ પૂર્વે પણ સી. જે. ચાવડા આ બેઠક પરથી 7 હજાર મતથી વિજેતા બન્યા હતા.

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કનુ ગોહિલની હાર થઈ છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિહ પરમારની હાર થઈ છે.

































































