સોનું સ્થિર પણ ચાંદી બેકાબૂ ! દિલ્હીમાં ચાંદી ₹1,800 વધીને નવા રેકોર્ડ સ્તરે, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદી અને સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં અચાનક આવેલા ઉછાળાએ રોકાણકારો અને ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાંદી નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે, જ્યારે સોનાના ભાવ લગભગ સ્થિર રહ્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદીના ભાવમાં ગુરુવારે સતત બીજા દિવસે જોરદાર વધારો નોંધાયો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ ₹1,800 વધીને ₹2,07,600 પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો. બુધવારે, ચાંદી ₹7,300 વધીને પ્રથમ વખત ₹2 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરીને ₹2,05,800 પર બંધ થઈ.

આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરી 1, 2025) ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ માત્ર ₹90,500 હતો, જેનો અર્થ એ થયો કે ત્યારથી તેમાં ₹1,17,100 અથવા આશરે 129.4% નો મોટો વધારો જોવા મળ્યો છે.

18 ડિસેમ્બરે સોનાના ભાવ સ્થિર રહ્યા. 99.9% શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,36,500 પર બંધ થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ 0.31% ઘટીને $4,325.02 પ્રતિ ઔંસ થયો. રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ વિશ્લેષક જીગર ત્રિવેદીના જણાવ્યા અનુસાર, સોનું પ્રતિ ઔંસ $4,300 ની આસપાસ છે.

તેનાથી વિપરીત, હાજર ચાંદી 0.25% ઘટીને $66.04 પ્રતિ ઔંસ થઈ ગઈ, જોકે અગાઉના સત્રમાં તે $66.88 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. આ વર્ષે, ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ 2 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રતિ ઔંસ $29.56 થી વધીને $66.88 થયો, જે $37.32 અથવા 126.3% નો વધારો દર્શાવે છે.

વિશ્લેષકો માને છે કે માર્કેટમાં ચાંદીનો વપરાશ વધારે છે અને તેની સામે ઉત્પાદન ઓછું છે. આવું સતત છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે 2026 સુધી ચાંદીની આ અછત ચાલુ રહેશે.
આ પણ વાંચો: અદભૂત, અવિશ્વસનીય ! ન તો સોનું, ન તો ચાંદી, ન તો હીરા… આ છે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ, કિંમત જાણશો તો હૃદયના ધબકારા વધી જશે
