Plant in Pot : ગુણકારી કારેલા ઘરે ઉગાડો, અપનાવો આ ટીપ્સ
આજકાલ મોટાભાગના લોકોમાં કિચન ગાર્ડનિંગનો શોખ વધતો જાય છે. જો તમે પણ ઘરે છોડ ઉગાડતા હોવ તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાથી તમને ઘણો લાભ મળી શકે છે. આજે અમે જણાવીશું કે કૂંડામાં કારેલા કેવી રીતે સરળતાથી ઉગાડી શકાય.

તમે કિચન ગાર્ડનમાં અલગ- અલગ શાકભાજી ઉગાડો છો, તો તમારે એક વખત કૂંડામાં કારેલા ઉગાડવા જોઈએ. કેટલીક ટીપ્સ અપનાવી કારેલા ઉગાડશો તો આખુ વર્ષ કારેલા બજારમાંથી ખરીદવા નહીં પડે.

કૂંડામાં કારેલાનો વેલો ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. તેમાં કિચન વેસ્ટ અથવા વર્મીકમ્પોસ્ટ બરાબર માત્રામાં ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે કારેલાના બીજને માટીમાં લગભગ 2-3 ઈંચ ઊંડે વાવો. ત્યારબાદ તેના પર પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે બીજ પર વધારે પાણી ન પડી જાય.

કારેલાના વેલો ગરમ, હળવા ભેજવાળા વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે ઉગે છે. ઠંડા હવામાનમાં સાવચેત રહો, કારણ કે પાંદડા સુકાઈ શકે છે અને ફૂલો ખરી શકે છે.

વેલામાં સમયસર પાણી આપો. પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે ત્યારે વેલો ઝડપથી વધે છે. વેલો મોટો થાય એટલે લાકડીથી તેને સપોર્ટ આપો જેથી કારેલાનો વેલો ઝડપથી વિકાસ થાય.

લગભગ 45 દિવસમાં ફળો દેખાવાનું શરૂ થાય છે. યોગ્ય કાળજી અને નિયમિત પાણી આપવાથી, તમે આખું વર્ષ કારેલાનો પાક લઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
