ટેક્સપેયર્સ માટે આવકવેરા વિભાગની નવી સ્કીમ શરૂ, વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવા આદેશ, જાણો નિયમો અને શરતો
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાના કરદાતાઓ માટે ફોરેન એસેટ્સ ડિસ્ક્લોઝર સ્કીમ 2026ના નિયમો જાહેર કર્યા છે. 16 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેનારી આ સ્કીમનો લાભ કેવી રીતે લેવો, જાણો વિગતવાર માહિતી.

આવકવેરા વિભાગે ‘ફોરેન એસેટ્સ ઓફ સ્મોલ ટેક્સપેયર્સ ડિસ્ક્લોઝર સ્કીમ 2026’ (Foreign Assets of Small Taxpayers Disclosure Scheme 2026) ના વિગતવાર નિયમો જાહેર કર્યા છે. આ વન-ટાઇમ સ્કીમ હેઠળ પાત્ર કરદાતાઓ પોતાની અઘોષિત (Unreported) વિદેશી સંપત્તિ કે વિદેશી આવક નિર્ધારિત ટેક્સ અથવા ફી ચૂકવીને કાયદેસર રીતે જાહેર કરી શકે છે.

16 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે વિન્ડો: આ યોજનાની વિન્ડો 16 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. સીબીડીટી (CBDT) એ આ યોજના સંબંધિત એફએક્યુ (FAQs) જારી કરીને માહિતી આપી છે. આ સ્કીમ હેઠળ તમામ ઘોષણાઓ (Declarations) ઓનલાઇન 'ફોર્મ 1' ભરીને સબમિટ કરવાની રહેશે અને સમગ્ર પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ થશે.

કોણ કરી શકે છે ઘોષણા? આ યોજનામાં રેસિડન્ટ , નોન-રેસિડન્ટ અને રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરલી રેસિડન્ટ એમ તમામ શ્રેણીના કરદાતાઓ સામેલ થઈ શકે છે. શરત માત્ર એટલી છે કે જે વર્ષની અઘોષિત આવક સાથે આ બાબત જોડાયેલી હોય અથવા જે વર્ષે વિદેશી સંપત્તિ ખરીદવામાં આવી હોય, તે વર્ષે વ્યક્તિ ભારતનો નિવાસી હોવો જોઈએ. જે કરદાતાઓએ અગાઉ રિટર્ન ફાઇલ ન કર્યું હોય અથવા જૂના રિટર્નમાં વિદેશી સંપત્તિ દર્શાવવાની રહી ગઈ હોય, તેઓ નિયત નાણાકીય મર્યાદામાં રહીને આ ઘોષણા કરી શકે છે.

યોજનાને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે:1 પ્રથમ કેટેગરી (રૂ. 1 કરોડ સુધીની સંપત્તિ/આવક): આ કેટેગરીમાં એવી અઘોષિત વિદેશી સંપત્તિ અથવા આવક સામેલ છે જેના પર અગાઉ ક્યારેય ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. 31 માર્ચ 2026ના વેલ્યુએશન મુજબ તેની કુલ મર્યાદા રૂ. 1 કરોડ સુધી રાખવામાં આવી છે. આના પર 30 ટકા ટેક્સ અને તેટલી જ રકમનો વધારાનો ચાર્જ લાગશે, એટલે કે અસરકારક ટેક્સ દર 60 ટકા થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદેશી બેંક ખાતામાં રૂ. 60 લાખ અને રૂ. 20 લાખની અઘોષિત આવક હોય, તો તેના પર કુલ રૂ. 48 લાખની ચૂકવણી કરવાની રહેશે.

2. બીજી કેટેગરી (રૂ. 5 કરોડ સુધીની સંપત્તિ): આ કેટેગરીમાં એવી વિદેશી સંપત્તિઓનો સમાવેશ થાય છે જેના પર પહેલેથી જ ટેક્સ ચૂકવાઈ ચૂક્યો છે અથવા તે સમયે ખરીદવામાં આવી હતી જ્યારે વ્યક્તિ નોન-રેસિડન્ટ (NRI) હતો, પરંતુ ભૂલથી આઇટી રિટર્નના સંબંધિત શેડ્યૂલમાં તેની વિગતો દર્શાવવાની રહી ગઈ હતી. આ કેટેગરીમાં સંપત્તિની મહત્તમ મર્યાદા રૂ. 5 કરોડ છે. આ માટે ટકાવારી મુજબ ટેક્સ ભરવાને બદલે માત્ર રૂ. 1 લાખની નિર્ધારિત ફ્લેટ ફી ચૂકવવાની રહેશે. જો વિદેશી સંપત્તિનું મૂલ્ય રૂ. 5 કરોડથી વધુ હોય, તો કરદાતા આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

ટેક્સ ચૂકવવા માટે કેટલો સમય મળશે? ઓનલાઇન 'ફોર્મ 1' ની ચકાસણી કર્યા બાદ ટેક્સ ઓથોરિટી એક મહિનાની અંદર 'ફોર્મ 2' માં આદેશ જારી કરશે, જેમાં ચૂકવવાપાત્ર રકમની સ્પષ્ટ વિગત હશે. કરદાતાને રકમ ચૂકવવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવશે. આ મુદતને દર મહિને 1 ટકા સાદા વ્યાજ સાથે વધુ 2 મહિના સુધી લંબાવી શકાય છે. જો કુલ 4 મહિનાની આખરી સમયમર્યાદામાં પણ ચૂકવણી કરવામાં નહીં આવે, તો કરદાતાને આ યોજનાનો કોઈ લાભ મળશે નહીં.
અદાણી ગ્રુપે ₹91.34 કરોડમાં ખરીદી વધુ એક કંપની, 3 મોટા હાઈવે પ્રોજેક્ટ્સ પર વધશે કંટ્રોલ, જાણો ડીલની વિગતો
