Cabbage Patra Recipe : રવિવારે નાસ્તામાં બનાવો યુનિક કોબીના પાત્રા, આ રહી સરળ રેસિપી
શિયાળામાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની મજા કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકો કોબીઝથી જુદી જુદી વાનગીઓ બનાવતા હોય છે. ત્યારે આજે અમે તમે કોબીઝ પાત્રા બનાવવાની રેસિપી જણાવીશું.

રજાના દિવસે કંઈક નવુ બનાવવાની ઈચ્છા થતી હોય ત્યારે તમે કોબીના પાત્રા બનાવી શકો છો. જે બનાવવામાં એકદમ સરળ છે. તેમજ આ પાત્રા ઝડપથી બની પણ જાય છે.

કોબીઝના પાત્રા બનાવવા માટે કોબી, ચણા લોટ, દહીં, હળદર પાઉડર, લાલ મરચું, જીરું, ધાણાજીરું, અજમો,ગરમ મસાલો, આદુ- મરચાની પેસ્ટ, તલ, મીઠું, બેકિંગ સોડા, રાઈ, કોથમરી, મીઠા લીમડાના પાન, હિંગ સહિતની સામગ્રીની જરુર પડશે.

કોબીઝના પાત્રા બનાવવા માટે સૌથી પહેલા કોબીના મોટા પાન અલગ કરી તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. પછી ગરમ પાણીમાં 2 મિનીટ રાખી બહાર કાઢી લો. જેથી પાન થોડા નરમ થઈ જાય.

હવે બેટર બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટને ચાળીને લો. ત્યારબાદ તેમાં દહીં, હળદર, લાલ મરચું, તલ, આદુ- મરચાની પેસ્ટ, ગરમ મસાલો, ધાણાજીરું, અજમો, મીઠું, કોથમરી અને બેકિંગ સોડા નાખી તેને ઘટ્ટ બેટર બનાવી લો. જો તમારે ગળ્યા પાત્રા બનાવવા હોય તો તમે તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો.

હવે કોબીઝના દરેક પાન પર બેટર લગાવી એક પર એક પાન ગોઠવી ત્રણ થી ચાર લેયર પાનની બનાવી તેનો રોલ બનાવી લો. હવે તેને બાફવા માટે સ્ટિમરનો ઉપયોગ કરી શકો છો.

કોબીઝના પાત્રા બફાઈ જાય ત્યાર પછી તેને ઠંડા થવા દો. ત્યારબાદ ગોળ આકારમાં કાપી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી તેમાં કોબીઝના બનાવેલા પાત્રા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે આ પાત્રા ચટણી સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
