Mansoor ali khan Love Story : મન્સૂર અલી મેદાનમાં શર્મિલા ટાગોરને જોઈને સિક્સર ફટકારતો હતો, અભિનેત્રીને પ્રપોઝ કરવામાં ચાર વર્ષનો સમય લીધો
મન્સૂર અલી ખાન (Mansoor ali khan )અને શર્મિલા વિશે ઘણી વાતો સાંભળવા મળે છે, પરંતુ એક રસપ્રદ વાત એ છે કે મન્સૂર ક્રિકેટના મેદાનમાં શર્મિલાનું સ્વાગત સિક્સર મારીને કરતો હતો. એવું પણ કહેવાય છે કે જ્યાં શર્મિલા બેસતી હતી ત્યાં મન્સૂર સિક્સર મારતો હતો.

આજે આપણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી અને બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર (Sharmila Tagore )ની લવ સ્ટોરી વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની લવ સ્ટોરી વિશે. જેમણે વાસ્તવિક જીવનમાં જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના પોતાનો જીવનસાથી પસંદ કર્યો.

વર્ષ 1965ની વાત છે, જ્યારે નવાબ મન્સૂર અલી ખાન પટૌડીએ પહેલીવાર બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટાગોરને જોઈ હતી અને ત્યાર બાદ જ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પોતાનું જીવન શર્મિલા સાથે જ વિતાવશે. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તેમના પ્રેમનો માર્ગ સરળ નહીં હોય અને એવું જ થયું.

મન્સૂર અલી ખાન અને શર્મિલા ટાગોર એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. જ્યારે બંને મળ્યા ત્યારે શર્મિલા ટોચની અભિનેત્રી હતી અને મન્સૂર ક્રિકેટર હતો. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરી રહ્યા હતા. આ કારણથી શર્મિલા ટાગોર મંસૂરની મોટી ચાહક હતી. નવાબ પટૌડીને પહેલી નજરમાં જ શર્મિલા સાથે પ્રેમ થઈ ગયો હતો.પરંતુ તેમ છતાં તેણે અભિનેત્રીને પ્રપોઝ કરવામાં ચાર વર્ષનો સમય લીધો હતો.

પટૌડી સાહેબ શર્મિલા ટાગોરને પ્રેમ કરવા લાગ્યા હતા, પરંતુ શર્મિલા તેમનો પ્રેમ સ્વીકારવા તૈયાર ન હતી. મન્સૂર અલી ખાને લગભગ ચાર વર્ષ સુધી શર્મિલાને ગુલાબ મોકલ્યા, પછી તે શર્મિલાના હૃદયમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો.

મન્સૂર અલી ખાન અને શર્મિલા ટાગોર વચ્ચેના સંબંધોમાં ધર્મ સૌથી મોટી દિવાલ હતી, જેને શર્મિલા ટાગોરે તોડી હતી. પરંતુ તેમના લગ્ન એટલા સરળ નહોતા. નવાબ પટૌડીની માતાએ શર્મિલા ટાગોર સમક્ષ એક શરત મૂકી હતી, જે પૂરી કર્યા પછી જ શર્મિલા મન્સૂર સાથે લગ્ન કરી શકશે. નવાબ પટૌડીની માતા ઈચ્છતી હતી કે શર્મિલા ઈસ્લામ અપનાવે, જેના માટે તે પણ સંમત થઈ ગઈ. આ પછી બંનેએ 27 ડિસેમ્બર 1968ના રોજ નવું જીવન શરૂ કર્યું.