IPL 2023: દિલ્હી કેપિટલ્સની સતત ચોથી હાર, તો પણ ચમક્યા ત્રણ સ્ટાર કે જેમણે ન થવા દીધી શર્મનાક હાર
દિલ્હી કેપિટલ્સની એક રોમાંચક મેચમાં હાર થઇ હતી. મેચમાં ઘણી એવી ક્ષણ આવી હતી જ્યારે દિલ્હીએ મુંબઇની સ્થિતિ ખરાબ કરી દીધી હતી. મુંબઇના કેપ્ટન રોહિતની તોફાની ઇનિંગના કારણે દિલ્હીની હાર થઇ હતી. પોઇન્ટસ ટેબલમાં દિલ્હી છેલ્લા સ્થાન પર પહોંચી ગઇ છે.


દિલ્હી કેપિટલ્સની મંગળવારે મુંબઇ સામે સતત ચોથી હાર થઇ હતી. આ હાર માટે દિલ્હીની ખરાબ બેટિંગને જવાબદાર માનવામાં આવ્યું હતું. બેટ્સમેન સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યા ન હતા.

ડેવિડ વોર્નરે ફિફટી ફટકારી પણ તેની ધીમી બેટીંગ પર સતત પ્રશ્નો ઉઠયા છે. આવામાં રોહિત શર્માની પાવર હિટીંગના ભરોસે મુંબઇએ IPL 2023 માં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

દિલ્હીની વાત કરીએ તો સતત ચોથી હાર બાદ કેમ્પમાં તણાવ વાળો માહોલ છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ એકશનમાં આવી શકે છે. દિલ્હી કેપિટલ્સ પોતાની ચોથી મેચમાં પ્રથમ બટીંગ કરીને 172 રન પર ઓલઆઉટ થઇ હતી.

લક્ષ્યનો પીછો કરતા મુંબઇની સ્થિતિ ખરાબ થઇ હતી. રોહિત શર્માની 45 બોલમાં 65 રનની ઇનિંગ બાદ પણ મુંબઇને જીત માટે પરિશ્રમ કરવો પડયો હતો. દિલ્હીના ત્રણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

અક્ષર પટેલ: દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 54 રન કર્યા હતા. આ દરમિયાન અક્ષર પટેલે 5 છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. અક્ષરની બેટીંગના ભરોસે દિલ્હીની ટીમ મોટો લક્ષ્ય સેટ કરવામાં સફળ રહી હતી.

ડેવિડ વોર્નર: ડેવિડ વોર્નરે 47 બોલમાં 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી પણ તેની ધીમી બેટિંગના કારણે તેની ઘણી ટીકા થઇ હતી. ઓપનિંગમાં બેટિંગ કરવા આવેલ વોર્નર 7મી વિકેટના રૂપમાં 19મી ઓવરમાં આઉટ થયો હતો.

એનરિક નોર્કિયા: એનરિક નોર્કિયા શરૂઆતી ઓવર દરમિયાન વધુ ખર્ચાળ રહ્યો હતો. નોંધપાત્ર છે કે અંતિમ ઓવરમાં તેણે મુંબઇની સ્થિતિ ખરાબ કરી દીધી હતી. પાંચ રનની જરૂર હતી પણ મુંબઇની અંતિમ બોલ પર જીત થઇ હતી.

































































