ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક હાર બાદ પાકિસ્તાન ટીમમાં મોટી ઉથલપાથલ, સ્ટાર બેટ્સમેન લેશે નિવૃત્તિ
ન્યુઝીલેન્ડ અને પછી ભારત સામે કારમી હાર સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટીમની સફરનો અંત આવી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક હાર બાદ પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન નિવૃત્તિ લેશે તેવા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમા જે રીતે હાર મળી છે તે જોતા આવનારા કેટલાક સમયમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અનેક પરિવર્તન જોવા મળશે.

ઘરઆંગણે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન બાદ પહેલા રાઉન્ડમાં બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ અને ભારત સામે કારમી હાર બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક મોટા ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની મીડિયામાંથી આવી રહેલા અહેવાલો અનુસાર, ટીમના અનુભવી બેટ્સમેન અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના ફાઈનલ મેચના હીરો ફખર ઝમાને પોતાની કારકિર્દી અહીં જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ મુજબ આ ડાબોડી સ્ટાર બેટ્સમેન ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરશે.

29 વર્ષ પછી પહેલીવાર ઘરઆંગણે ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલા પાકિસ્તાન પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમે તેના ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે અને પછી બીજી મેચમાં ભારત સામે હાર સાથે, પાકિસ્તાન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયું. ત્યારથી ભૂતપૂર્વ ક્રિકેટરો અને મીડિયા ઉપરાંત, ચાહકો પણ ટીમમાં ફેરફારની માંગ કરી રહ્યા છે.

આ ફેરફારોની માંગ વચ્ચે પાકિસ્તાનનો દિગ્ગજ ઓપનર ફખર ઝમાન નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહ્યો છે. પાકિસ્તાની મીડિયા સમા ટીવીના અહેવાલ મુજબ, 34 વર્ષીય ફખર ઝમાને આ વિશે પોતાના નજીકના લોકો સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે તે નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં ફખર તેની સત્તાવાર જાહેરાત પણ કરશે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફખર ટૂંક સમયમાં પાકિસ્તાન છોડીને તેના પરિવાર સાથે બીજા દેશમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યો છે.

ટીમની હાર ઉપરાંત, ફખર ઝમાનનો આ નિર્ણય તેની ફિટનેસને કારણે પણ લાગે છે. ફખર ઝમાન આ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાની ટીમનો ભાગ હતો પરંતુ ફિટનેસના કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી મેદાનની બહાર હતો. ટુર્નામેન્ટ પહેલા તેણે ત્રણ મેચની ODI શ્રેણીમાં મેદાનમાં વાપસી કરી. અહીં તેનું પુનરાગમન જોરદાર હતું પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચના બીજા બોલ પર ફિલ્ડિંગ કરતી વખતે તે ઘાયલ થઈ ગયો. ત્યારથી, તે સંઘર્ષ કરતો રહ્યો અને બેટિંગ કરતી વખતે પણ મુશ્કેલીમાં જોવા મળ્યો. આ મેચ સાથે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો અને પછી ભારત સામે પણ રમી શક્યો નહીં.

યોગાનુયોગ, ફખરની ODI કારકિર્દી પણ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીથી જ શરૂ થઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં તેણે ભારત સામે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં જ આઉટ થતા તેની કારકિર્દીનો અંત આવી રહ્યો છે. ફખરે 86 વનડે મેચોમાં 46 ની સરેરાશથી 3651 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાન માટે ODI માં બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. (All Photo Credit :PTI / X)
પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
