બેંક FD કરતા પણ વધુ ફાયદો ! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે મહિને ₹20,000 કમાણી કરાવશે
નોકરી માંથી નિવૃત્તિ બાદ જીવનનિર્વાહ માટે નિયમિત આવક રહે તે દરેક વ્યક્તિની મહત્વની ચિંતા હોય છે. આવી સ્થિતિમાં લોકો એવી યોજનાઓ તરફ વળે છે, જેમાં તેમની મૂડી સુરક્ષિત રહે અને દર મહિને નિશ્ચિત આવક મળતી રહે. પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક સરકારી યોજના વરિષ્ઠ નાગરિકોને આ પ્રકારનો ભરોસો આપે છે. ઓછી જોખમવાળી આ યોજનામાં નિશ્ચિત વ્યાજદર સાથે ગેરંટીકૃત આવક મળતી હોવાથી નિવૃત્ત નાગરિકો માટે તે એક સુરક્ષિત અને વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) નિવૃત્ત નાગરિકો માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ તરીકે સામે આવી છે. આ યોજના ખાસ કરીને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે, જેમાં સરકાર તરફથી રોકાણ પર સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે છે. તેથી, નિવૃત્તિ પછી નિયમિત આવક ઈચ્છતા અને જોખમ ટાળવા માંગતા લોકો માટે આ યોજના અનુકૂળ માનવામાં આવે છે.

હાલમાં આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ દર આપવામાં આવે છે, જે મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં વધારે છે. મહત્વની વાત એ છે કે આ વ્યાજ દર નિશ્ચિત છે અને બજારના ઉતાર-ચઢાવથી તેની ઉપર કોઈ અસર પડતી નથી. સરકારી ગેરંટી હોવાને કારણે રોકાણકારોને તેમની મૂડીની સુરક્ષા અંગે કોઈ ચિંતા રહેતી નથી.

જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં મહત્તમ 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેમને વાર્ષિક અંદાજે 2.46 લાખ રૂપિયાનું વ્યાજ મળે છે. આ રકમને માસિક ગણીએ તો લગભગ 20 હજાર રૂપિયાની નિયમિત આવક થાય છે, જે દૈનિક ખર્ચ અને નિવૃત્તિ બાદના જીવનનિર્વાહમાં મહત્વની મદદરૂપ બની શકે છે.

SCSS હેઠળ વ્યાજની ચુકવણી માસિક નહીં પરંતુ ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં વ્યાજની રકમ સીધી ખાતામાં જમા થાય છે. રોકાણકારો આ રકમ ખર્ચ માટે ઉપયોગ કરી શકે છે અથવા ફરીથી રોકાણમાં મૂકી શકે છે.

આ યોજનાનો એક વધુ ફાયદો એ છે કે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કરછૂટ મળે છે. આ ખાતાની પાકતી મુદત પાંચ વર્ષની હોય છે, જોકે ચોક્કસ શરતો હેઠળ તેને વધારી પણ શકાય છે. અકાળે ખાતું બંધ કરવાથી દંડ લાગુ પડી શકે છે. નોંધપાત્ર રીતે, આ યોજનામાં રોકાણ માત્ર 1,000 રૂપિયાથી શરૂ કરી શકાય છે, જેના કારણે વધુ લોકોને તેનો લાભ મળી શકે છે.
આ પણ વાંચો - Post Office ની અદ્ભુત યોજના, દર મહિને રૂપિયા 5,550ની ગેરંટી આવક, જાણો કેટલું રોકાણ કરવું પડશે
