અત્યાર સુધીમાં આ ફિલ્મ સ્ટાર્સે લોકસભાની લડી ચૂંટણી, જાણો શું રહ્યા છે પરિણામો, જુઓ ફોટો
ફિલ્મ સ્ટાર્સનો રાજકારણ તરફ ઝુકાવ કોઈ નવી વાત નથી. હવે બોલિવૂડમાં એવી પણ વાતો થઈ રહી છે કે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. તો આપણે જોઈએ કે અત્યાર સુધીમાં કેટલા સ્ટાર્સ એવા છે કે જેણે લોકસભાની ચૂંટણી ક્યાં વિસ્તારથી લડી છે.

બોલિવૂડના બીગ બી અમિતાભ બચ્ચને 1980ના દાયકામાં રાજકારણમાં સ્ટેપ મુક્યું હતું. તેમણે 1984માં અલાહાબાદથી લોકસભાની ચૂંટણી લડી અને યુપીના ભૂતપૂર્વ સીએમ એચએન બહુગુણાને હરાવીને આ બેઠક પર ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

બોલિવૂડ પ્રખ્યાત અભિનેતા અને સંજય દત્તના પિતા તરીકે ઓળખાતા સુનીલ દત્ત 1984માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને સંસદમાં પહોંચ્યા હતા. સુનીલ દત્ત અહીંથી સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

કોમેડી રોલ માટે જાણીતા એવા સ્ટાર ગોવિંદા 2004માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા, પરંતુ આ અભિનેતાને રાજકારણ પસંદ નહોતું.

પંજાબની ગુરદાસપુર બેઠકના સાંસદ વિનોદ ખન્નાએ ભાજપની ટિકિટ પર સતત ઉપરા ઉપરી ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

સની દેઓલના પિતા ધર્મેન્દ્ર 2004માં રાજસ્થાનના બિકાનેરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જો કે સંસદીય ક્ષેત્રમાં તેઓ હાજર રહેતા ન હતા તો તેમની ઘણી ટીકા થઈ હતી.

બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' હેમા માલિની પણ તેમના પતિ ધર્મેન્દ્રની જેમ ભાજપ સાથે જોડાયેલી છે. 2004માં હેમા માલિનીને પહેલીવાર ભાજપના સમર્થનથી રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. માર્ચ 2010માં હેમાને ભાજપની મહાસચિવ પણ બનાવવામાં આવી હતી.

ભાજપના સ્ટાર પ્રચારકોમાંથી એક શત્રુઘ્ન સિંહાનું નામ લેવામાં આવે છે. તેઓ પટના સાહિબ બેઠક પરથી લોકસભાના સભ્ય હતા. તાજેતરના સમયમાં પાર્ટી લાઇનની બહાર જઈને નિવેદનો આપવાનું શત્રુઘ્ન સિંહાને ઘણું મોંઘુ પડ્યું હતું

દેશભરમાં જાણીતી સિરિયલ રામાયણમાં સીતાનું પાત્ર ભજવનારી દીપિકા ચિખલિયા પણ ભાજપમાં જોડાયા હતા. દીપિકાએ 1991ની લોકસભા ચૂંટણી ગુજરાતની બરોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લડી હતી અને જીતી હતી.

રાજ બબ્બરે સમાજવાદી પાર્ટી સાથે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. રાજ બબ્બર 14મી લોકસભા ચૂંટણીમાં સપાની ટિકિટ પર યુપીના ફિરોઝાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 2006માં સપામાંથી સસ્પેન્ડ થયા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.