Satish kaushikની છેલ્લી તસ્વીરો, એક દિવસ પહેલા ખુશખુશાલ થઈને રમ્યા હતા ધૂળેટી !
Satish Kaushik Last Pics: અભિનેતા સતીશ કૌશિકની છેલ્લી પોસ્ટ પર લોકો આશ્ચર્ય સાથે કમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરી હતી અને રાત્રે તેમનું નિધન થયું હતું.

બોલિવૂડમાં 40 વર્ષની કારકિર્દી દરમિયાન 100થી વધુ ફિલ્મોમાં કામ કરનાર સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી. અભિનેતા હોવા ઉપરાંત સતીશ કૌશિક દિગ્દર્શક અને પટકથા લેખક પણ હતા. એક દિવસ પહેલા તે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમનું ગુરુગ્રામમાં મૃત્યુ થયું હતું. સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી દરેક ફેન્સ દુઃખી છે.

7 માર્ચના રોજ જાવેદ અખ્તરના ઘરે હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સતીશ કૌશિકે પણ ભાગ લીધો હતો. તેમણે હોળી પાર્ટી બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પણ શેર કરી છે. હોળી પાર્ટી દરમિયાન સતીશ કૌશિક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

સતીશ કૌશિકે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તેઓ બોલિવૂડ સ્ટાર રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સાથે જોવા મળી રહ્યા છે. સતીશ કૌશિકે એમ પણ લખ્યું છે કે તેઓ નવા પરિણીત યુગલને મળ્યા.

આવી ખુશીની હોળી ઉજવ્યાના એક દિવસ પછી અચાનક સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. તેમની છેલ્લી પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "એક દિવસ પહેલા, તે ઠીક હતો..24 કલાકમાં શું થયું."

સતીશ કૌશિકના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોને તેના શરીર પર કોઈ નિશાન નહોતું મળ્યું.