Stock Market : 50 કરોડ ડોલરનું બાકી ‘ડિવિડન્ડ’ મળશે ! વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધ હટશે, તો આ ઓઇલ કંપનીના શેર બની શકે છે ‘ચર્ચાનો વિષય’
શનિવારે એટલે કે 03 જાન્યુઆરીના રોજ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમજ તેમની પત્નીને પકડી લીધા. અમેરિકા દ્વારા વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર કબજો થવાથી વેનેઝુએલાના કાચા તેલના વેચાણ પર લાગેલા પ્રતિબંધ દૂર થવાની શક્યતા છે.

શનિવારે એટલે કે 03 જાન્યુઆરીના રોજ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમજ તેમની પત્નીને પકડી લીધા. આ હુમલા બાદ અમેરિકાએ વેનેઝુએલાની તેલ સંપત્તિ પર પણ નિયંત્રણ મેળવી લીધું છે. અમેરિકા દ્વારા વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર કબજો થવાથી વેનેઝુએલાના કાચા તેલના વેચાણ પર લાગેલા પ્રતિબંધ દૂર થવાની શક્યતા છે.

ખાસ વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના પ્રતિબંધ હાલ પૂરતા યથાવત રહેશે. એવામાં જો પ્રતિબંધ હટાવવામાં આવે છે તો, ભારતની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડને સાન ક્રિસ્ટોબલ ફિલ્ડમાંથી $500 મિલિયનનું બાકી ડિવિડન્ડ મળી શકે છે.

આ બાકી રકમ વર્ષ 2014 ની છે. વાત એમ છે કે, વર્ષ 2014 બાદ ઉત્પાદન બંધ થઈ ગયું હતું, જેના કારણે તે સમય પછી કોઈ ડિવિડન્ડ મળ્યું નથી. ONGC ની પેટાકંપની 'ONGC વિદેશ' વેનેઝુએલામાં સાન ક્રિસ્ટોબલ પ્રોજેક્ટમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વધુમાં, ONGC વિદેશ લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ઓઇલ ઇન્ડિયા કેરાબોબો-1 (વેનેઝુએલાના ઓરિનોકો પટ્ટામાં સ્થિત એક વિશાળ તેલ ક્ષેત્ર છે.) ક્ષેત્રમાં 11 ટકા હિસ્સો ધરાવે છે.

બ્રોકરેજ ફર્મ જેફરીઝના મતે, ONGC માટે આ 'મિડિયમ ટર્મ રિસ્ક' વેનેઝુએલામાં ફરી શરૂ થતું ઉત્પાદન બની શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય વધી શકે છે અને તેલના ભાવ પર દબાણ આવી શકે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે, તો તે ONGC ની કમાણી પર નકારાત્મક અસર કરી શકે છે.

05 જાન્યુઆરીએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના શેર શરૂઆતમાં વધ્યા અને પછીથી તેમાં જંગી ઘટાડો જોવા મળ્યો. BSE પર શેર ઊંચો ખુલ્યો અને ₹246.40 ના લેવલે પહોંચ્યો પરંતુ પછીથી તે ₹238.50 ની નીચી સપાટીએ પહોંચ્યો. કંપનીનું માર્કેટ કેપ ₹3 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને શેરની ફેસ વેલ્યુ ₹5 છે.

સરકારી માલિકીની ONGC એ જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 18 ટકા ઘટીને ₹9,848 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉ ₹11,984 કરોડ હતો. નાણાકીય વર્ષ 2025 માટે કંપનીનો સ્ટેન્ડ-અલોન આવક ₹1,37,846.29 કરોડ હતી, જ્યારે ચોખ્ખો નફો ₹35,610.32 કરોડ હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો. બીજું કે, વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ હટવા પર ONGC ને $500 મિલિયનનું બાકી ડિવિડન્ડ મળી શકે છે, તે અંદાજિત રકમ છે. હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી કે, પ્રતિબંધ હટશે કે નહીં.
આ પણ વાંચો: Stock Market: ડિવિડન્ડથી ઊંચી આવક મેળવવા ઈચ્છો છો? આ 10 PSU શેર તમારા પોર્ટફોલિયોમાં એડ કરી દો, ફાયદામાં રહેશો
