Ahmedabad: સાંતેજમા કેમિકલ કંપનીમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, આગ બુઝાવવા રોબોટનો સહારો લેવો પડ્યો
આગ લાગતા ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરુ કર્યુ હતુ. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.

અમદાવાદના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમિકલની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલની કંપની હોવાથી આગ લાગ્યા બાદ તેમાં એક પછી એક વિસ્ફોટ થયા. આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે ફાયર વિભાગે આગની ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો.

સાંતેજ ગામ નજીક રેસી નોવા નામની સોલવન્ટની ફેક્ટરીમાં રાત્રે 1:00થી 1:30 ના અરસામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડા 10 કિલોમીટર સુધી દેખાતા હતા.

સદનસીબે આગ રાત્રે લાગતા કર્મચારીનો સ્ટાફ ન હતો. જેથી મોટી જાનહાની ટળી હતી. આગમાં કંપનીનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાના કારણે એક પછી એક વિસ્ફોટ થઇ રહ્યા હતા. ભીષણ આગ હોવાને પગલે ફાયર ફાઈટર્સને રોબોટ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર ફાઈટર્સે લગભગ 7 લાખ લીટરનો પાણીનો મારો ચલાવી સવાર સૂધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ બુઝાઇ હતી. કલાકોની જહેમત બાદ આગ બુઝાતા ફાયર ફાયટર્સે હાશકારો અનુભવ્યો હતો. તો આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઇ છે.