National Unity Day : ‘રન ફોર યુનિટી’ શરૂ, દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનથી લીલી ઝંડી બતાવી, જુઓ Photos
સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રમેશ બિધુરીએ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ધ્વજવંદન કરીને 'રન ફોર યુનિટી'ની શરૂઆત કરાવી હતી.

જ્યારે ભારતની પ્રથમ મહિલા સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પોલીસ ફેમિલી વેલ્ફેર સોસાયટી અને દિલ્હી પોલીસ દ્વારા આયોજિત મિશન ઓલિમ્પિક્સ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું હતું.

આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બિસ્માર્કે જર્મનીના 8 પ્રાંતોને એક કર્યા હતા, વિશ્વ લખે છે કે બિસ્માર્કેનું જે કામ કર્યું હતું તે સરદારે કર્યું હતું.વધુમાં તેમણે કહ્યું કે, "સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનો ઈતિહાસ કહે છે કે સરદારે જે કામ કર્યું, આ કામ બિસ્માર્કે કર્યું. આ વ્યક્તિત્વ સરદાર વલ્લભભાઈ પટેલનું હતું."

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 182-મીટર-ઉંચી પ્રતિમા પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે ઉજવણીના ભાગરૂપે 'એકતા પરેડ'નું આયોજન કરવામાં આવશે, જેના માટે દેશભરમાંથી પોલીસ કર્મચારીઓને કેવડિયામાં આમંત્રિત કરવામાં આવ્યા છે.