Independence Day 2021: જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને લાંબા સંઘર્ષ બાદ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની સ્વતંત્રતા દિવસ (Independence Day) તરીકે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.


સમગ્ર ભારતમાં આજે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતને આઝાદી અપાવવા માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ. ત્યારે 15 ઓગસ્ટ ભારતીયો માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે અમે તમને 15 ઓગસ્ટ સંબંધિત કેટલીક રસપ્રદ વાતોની જાણકારી આપીશુ.

ભારતની આઝાદી મેળવવામાં મહાત્મા ગાંધીનું મહત્વનું યોગદાન હતું. પરંતુ 15 ઓગસ્ટ, 1947 ના રોજ મહાત્મા ગાંધીએ આઝાદીની ઉજવણીમાં હાજરી નહોતી આપી. આ દિવસે મહાત્મા ગાંધી પશ્ચિમ બંગાળના નોઆખલીમાં ઉપવાસ પર બેઠા હતા. આપને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.

આજે સ્વતંત્રતા દિવસના રોજ ભારતના વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો નહોતો. લોકસભા સચિવાલયના અહેવાલ મુજબ, નહેરુએ 16 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ.પરંતુ ત્યારે ભારતનું કોઈ રાષ્ટ્રગાન નહોતુ.આપને જણાવી દઈએ કે,રવિન્દ્રનાથ ટાગોરે 1911 માં જ 'જન-ગણ-મન' લખ્યું હતું, પરંતુ તેને 1950 માં રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.પરંતુ શું તમે જાણો છો કે,ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોને પણ 15 મી ઓગસ્ટના રોજ આઝાદી મળી.જેમાં દક્ષિણ કોરિયા,બહેરીન,રિપબ્લિક કોંગો દેશનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે,બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં અરવિંદ ઘોષનું મહત્વનું યોગદાન હતું. અને તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872માં થયો હતો.
Latest News Updates






































































