23 જૂનના મહત્વના સમાચાર : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી
Gujarat Live Updates : આજ 23 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજ્યભરમાં આજથી મેઘમહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. 24 જૂન બાદ વરસાદની ગતિ વધશે. વિવાદોમાં સપડાયેલા NEET મામલે શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા પેપરલીક કેસની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. આ સાથે જ NTAના ડાયરેક્ટર સુબોધકુમારને હટાવી દેવાયા છે અને નિવૃત IAS અધિકારી પ્રદિપ સિંહ ખરોલાને ચાર્જ સોંપાયો છે. આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ મુદ્દે ચર્ચા કરી. આ અંગે ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે. ત્રીજીવાર પીએમ બનવા પર ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.
LIVE NEWS & UPDATES
-
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 24 જૂનથી 26 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.અંબાલાલના જણાવ્યા મુજબ આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઈંચ વરસાદ થશે. જ્યારે દક્ષિણમાં સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થશે. જૂલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. આથી જૂલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે.
-
નરાધમે કર્યું અઢી વર્ષની બાળકીનું અપહરણ, પરંતુ હેવાનની મુરાદ પર રખડતા શ્વાને ફેરવ્યું પાણી
કૂતરાને માણસનો વફાદાર મિત્ર ગણવા માં આવે છે, રાજ્યના અલગ અલગ શહેરો માંથી રખડતા શ્વાનના આતંક અને હુમલાના સમાચાર અવારનવાર આવતા હોય છે. પરંતુ અમદાવાદ ના વસ્ત્રાપુરના રખડતા શ્વાનએ એક માસૂમ બાળકી સાથે દુષકર્મની ઘટના અટકાવી છે અને બાળકીના અપહરણકારને ભાગવા માટે મજબૂર કર્યો.
બદ-ઇરાદે તેનું અપહરણ કર્યું
જે મૂળ બિહારનો વતની છે.પૂછપરછ માં ખુલાસો થયો કે તે રસ્તા પરથી જઈ રહ્યો હતો તે સમયે બાળકી તેની માતા પાસે સુઈ રહી હતી, ત્યારે બદ-ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. પરંતુ કૂતરા ભસવા લાગતા અને એક ચોકીદાર આવી જતાં તે બાળકીને ત્યાંજ મૂકી ફરાર થઇ ગયો હતો.
-
-
આવતીકાલથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે
નવી સરકારની રચના બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થશે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદો સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે. ત્યાર બાદ સ્પીકર પદ માટે ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. 18મી લોકસભામાં NDAની 293 બેઠકો સાથે બહુમતી છે. જેમાં ભાજપ પાસે 240 બેઠકો છે.
-
અમરેલીના હનુમાનપુરમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત
અમરેલી જિલ્લાના ખાંભાના હનુમાનપુર ગામમાં 3 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. વીજ કરંટ લાગતા ત્રણેય લોકોના મોત નિપજ્યા છે. મશીન પર કામ કરતી વખતે કરંટ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ ત્રણેય મૃતદેહોને ખાંભાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
ગુજરાતના 66 તાલુકામાં વરસાદ, જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 88 મીમી
ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ 88 મીમી વરસાદ જુનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. તો જુનાગઢ શહેરમાં પણ 57 મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલામાં પણ 61 મીમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.
-
-
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ, મવડી, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, નાના મૌવા સર્કલ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી અને રામાપીર ચોકડી પર સામાન્ય વરસાદી ઝાપટાંમાં ગોઠણડૂબ પાણી ભરાયાં ગયા છે. દર વર્ષે અહીંયા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તે છે.
-
તારાપુર-ધર્મજ હાઈવે પર માણેજ પાસે અકસ્માત, ડમ્પરની અડફેટે આવતા 3 વ્યક્તિઓના મોત
તારાપુર-ધર્મજ હાઈવે પર માણેજ પાસે અકસ્માત સર્જાયો છે. ડમ્પરની અડફેટે આવતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. એક મહિલા, એક પુરુષ અને એક બાળકનું ડમ્પરની હડફેટે આવવાથી ઘટના સ્થળે મોત થયુ છે. મૃતક માણેજ મણીલક્ષ્મી તીર્થમાં છાશ લેવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
NEET UG – 2024 ની પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરામાં નોંધાયેલ FIRની તપાસ CBI ને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય
NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.
-
કેન્દ્રના રમતગમત મંત્રી માંડવિયાને ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ ફેંક્યો ફરી પડકાર
કેન્દ્રના રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયાને, ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ, બે દિવસમાં બીજી વાર પડકાર ફેંક્યો છે. જવાહર ચાવડાએ, પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામો વર્ણાવ્યા છે. ડાર્ક ઝોન, બીપીએલ કાર્ડ સહિતની કામગીરીથી સરકારને ઝુકવું પડ્યું હોવાનું જવાહર ચાવડાએ જણાવ્યું છે.
ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકારે વિધાનસભામાં તે અંગેની સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સમગ્ર કાર્યક્રમથી વાકેફ છે. સ્વખર્ચે તમામ આંદોલનો કરી પ્રજાને સુખાકારી અપાવી હોવાનું જણાવીને જવાહર ચાવડાએ કહ્યું કે, આ વાતની ખબર કદાચ મનસુખભાઈ માંડવીયાને નહીં હોય. કોઈ પક્ષ કે કોઈ વિપક્ષની મદદ વગર માત્ર જવાહર ચાવડાએ જ આંદોલન કર્યા હતા અને લોકોને સુખાકારી અને વિકાસના ફળ આપ્યા હતા.
-
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટના ફાયર ઓફિસર ખેર અને બી જે ઠેબા 2 દિવસના રિમાન્ડ પર
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર અને સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આઈ.વી.ખેરના વકીલે રિમાન્ડ મંજૂર કરાતાં, સ્ટે માટે અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ખેરના વકીલે નીચલી કોર્ટના રિમાન્ડ મંજૂર મામલે હાઇકોર્ટમાં જવા માટે સ્ટેની કરી હતી માંગ. જ્યારે વેલ્ડીંગ સુપરવાઇઝર તરીકે કામ કરનાર મહેશ રાઠોડના રિમાન્ડ ના માંગતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
-
અમદાવાદના 10 પોલીસ ઈન્સ્પેકટરો, 17 PSIની કરાઈ બદલી, ક્રાઈમ બ્રાન્ચના 3 PI બદલાયા
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકએ, 10 PIની કરી આંતરિક બદલીના આદેશ કર્યાં છે. ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PI ની બદલી કરવામાં આવી છે. નિકોલ PI કે.ડી. જાટની પોલીસ કન્ટ્રોલ ખાતે બદલી કરવામાં આવી છે. વાસણા PI આર.ડી. મકવાણાની વિશેષ શાખામાં બદલી કરી દેવાઈ છે. ગોમતીપુર PI સીટી દેસાઈની પણ વિશેષ શાખામાં બદલી કરાઈ છે. માધુપુરા PI આઇ.એન. ઘાસુરાની બદલી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં કરાઈ છે.
-
સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, બે જવાન શહીદ, અનેક ઘાયલ
નક્સલીઓએ સુકમામાં IED બ્લાસ્ટ કર્યો છે. જેમાં અનેક જવાનો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ અને શૈલેન્દ્ર હોવાનું જાણવા મળે છે.
-
બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બોટાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
-
રાજકોટના જસદણના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ
રાજકોટના જસદણના ગ્રામ્ય પંથકમાં વરસાદ. આટકોટ, ગરણી, પાંચવડા, જીવાપર, ગુંદાળા જંગવડ, સાણથલી, વીરનગર ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ અને સાણથલી ગામે વરસેલા ધોધમાર વરસાદથી રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં છે. જસદણના સાણથલી ગામે એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
-
ગીર સોમનાથના કોડીનાર – ઉનાૃના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
ગીર સોમનાથના કોડીનાર – ઉનાૃના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે. સીઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. કોડીનારના ડોળાસા, વેળવા, બાવાના પીપળવા, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો ઉનાના કેસરિયા, સીમાસી સહિતના ગામોમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
-
અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ
અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ડોળીયા, માંડળ, મોરંગી ડુંગર, આસરાણા, દેવકા કુંભારિયા, ખાંભલીયા સહિત ગામમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બપોરે બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
-
અંબાલાલની આગાહી, નવી સર્જાયેલ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે
વરસાદ અંગે હવામાન બાબતોના જાણકાર એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં આજથી ભારે વરસાદ પડશે. આવતીકાલ 24થી 26 જૂન સુધીમાંસમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થાય તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. 28 થી 30 જૂનમાં અદરા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે તેવી આગાહી તેમણે કરી છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.
-
અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું, ઇટાનગરમાં પૂર, અનેક મકાનોને નુકસાન
અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ ઇટાનગરમાં ઘણી જગ્યાએ ભારે પૂર આવ્યું છે. પૂરમાં અનેક મકાનો અને વાહનોને નુકસાન થયું છે.
-
કુવૈતમાં અટવાયેલા14 ભારતીયો પરત ફર્યા, ગુજરાતી યુવાન રાત્રે પહોચશે તેના વતન
કુવૈતમાં અટવાયેલા 14 ભારતીયો આખરે માદરે વતન પહોચ્યાં છે.કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં કોચી પહોંચ્યા છે. કુવૈતમાં અટવાયેલા 14 ભારતીયોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. સાબરકાંઠાના વિજયનગરનો યુવાન આજે રાત્રે તેના વતન પહોચશે.
-
ગુજરાતમાં 13 દિવસ બાદ મેઘરાજાએ ખંખેરી આળસ, નવસારીથી આગળ વધી ભરૂચ પહોંચ્યુ ચોમાસુ
ગુજરાતમાં 13 દિવસ બાદ મેઘરાજાએ આળસ ખંખેરી છે અને નવસારીથી આગળ વધુ ચોમાસુ નર્મદા અને ભરૂચ પહોંચ્યુ છે. ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હાલ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વિધિવત ચોમાસુ બેસી ગયુ છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ચોમાસુ બેસી ગયુ છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં મેઘમહેર થઈ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ચોમાસુ બેસી ગયુ છે. હાલ નવસારીથી આગળ વધી ચોમાસુ નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર પહોંચ્યુ છે.
-
25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન, પરાબજારે કર્યુ બંધનું સમર્થન
આગામી 25 જૂને કોંગ્રેસે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને પગલે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસના બંધના એલાનને સતત સમર્થન મળી રહ્યુ છે. રાજકોટની પરાબજારે પણ બંધું સમર્થન આપ્યુ છે. પરાબજારના વેપારીઓ અડધો દિવસ બંધ રાખી સમર્થન આપશે. TRP અગ્નિકાંડના મૃતકોને ન્યાય માટે કોંગ્રેસે 25 જૂને બંધનું એલાન કરેલું છે. આ બંધને અલગ અલગ સંગઠનો તરફથી સમર્થન મળી રહ્યું છે
-
ખંભાળિયામાં સાંસદ પૂનમ માડમના રોડ શોમાં થયો ચલણી નોટોનો વરસાદ
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં જામનગરના સાંસદ પૂનમ માડમનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. વિશાળ જનમેદની વચ્ચે પૂનમ માડમ પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જામનગરથી પૂનમ માડમે સતત ત્રીજીવાર વિજયી બન્યા છે.
-
T-20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમીંગ કૌભાંડનો થયો પર્દાફાશ
T-20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમીંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમે ઊંઝા અને અમદાવાદમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ગેરકાયદે ક્રિકેટનું લાઈવ સ્ટ્રીમીંગ કરતા હતા. પાકિસ્તાનથી લાઈવ સ્ટ્રીમીંગના સિગ્નલ પોતાના સર્વર પર ડાયવર્ટ કરતા હતા. મેજિક વન નામની એપ્લિકેશન પર ગેરકાયદે સ્ટ્રીમીંગ કરતા હોવાનુ સામે આવ્યુ છે. ડિઝની, હોટસ્ટારના લીગલ એડવાઇઝરની ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ કેનેડામાં હોવાના અહેવાલ મળ્યા છે.
-
કુવૈતમાં ફસાયેલા 10 પૈકી 3 ગુજરાતી શ્રમિકોની આખરે થઈ વતન વાપસી
કુવૈતમાં 10 ગુજરાતી શ્રમિકોની અટકાયત કરાઈ છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફર્યા છે. શ્રમિક અલ્પેશ પટેલે તેના પરિવારને ભારત પરત ફર્યાની જાણ કરી છે. અલ્પેશ પટેલ અન્ય વ્યક્તિ પાસેથી મદદ માગી ફોન મેળવી પરિવારને જાણ કરી હતી. અલ્પેશ પટેલ વિજયનગરના દઢવાવનો રહેવાસીછે. વિજયનગરના જાલેટીના અન્ય બે યુવકો પણ ભારત પરત ફર્યા છે.
-
બનાસકાંઠાના અમીરગઢમાં પાણીની ભયંકર તંગીથી સ્થાનિકોને પારાવાર હાલાકી
બનાસકાંઠાના અમીરગઢમાં પાણીની તંગીના દૃશ્યો સામે આવ્યા છે. લોકો અંતરિયાળ વિસ્તારમાં ખાડો ખોદી પાણી શોધવા મજબુર બન્યા છે, લોકો પાસે પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી નદીના તટમાં પાણીની શોધખોળ કરતા જોવા મળ્યા છે. સરકારની હર ઘર નલ, હર ઘર જલ યોજના માત્ર કાગળ પર હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.
-
બિહારમાં 2 કરોડની કિંમતનો નિર્માણાધિન પુલ થયો ધરાશાયી
બિહારમાં 2 કરોડની કિંમતનો નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. મોતિહારીમાં ઘોડાસન પ્રખંડમાં પુલ ધરાશાયી થયો છે. બિહારમાં એક જ સપ્તાહમાં પુલ ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે પૂલની ગુણવત્તા અને કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
-
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો કોંગ્રેસને મત આપવાની વાત કરતો વીડિયો વાયરલ
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ કોંગ્રેસને મત આપવાની વાત કરતો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ એવુ કહી રહ્યા છે કે કમળમાં હવે કંઈ કાઢી લેવાનું નથી. આ વીડિયો લોકસભા ચૂંટણી સમયનો હોવાની માહિતી છે.
-
અમરેલી: રાજુલાના રામપરા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
અમરેલીના રાજુલા તાલુકામાં આવેલા રામપરા ગામમાં સિંહના આંટાફેરાથી ફફડાટ ફેલાયો છે. રામપરાની શેરીમાં સિંહની લટારથી લોકોમાં ભયનો માહોલ છે. છેલ્લા 15 દિવસથી સિંહના ટોળા આવતા ગામલોકો ચિંતામાં મુકાયા છે. મકાનોની દિવાલ કૂદી પશુઓનું મારણ કરતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ મુદ્દે સરપંચે વનવિભાગને રજૂઆત તો કરી પરંતુ વનવિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રામપરાના સરપંચે પત્ર લખી વનપ્રધાન પાસે મદદ માગી છે.
-
દ્વારકાના ભાણવડમાં શ્વાન પર આચરાયો અમાનુષી અત્યાચાર, લાકડા વડે માર્યો માર, આંખ પણ ફોડી નાખી
દ્વારકાના ભાણવડમાં શ્વાન પર અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો છે. શ્વાનને પહેલા લાકડા વડે ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની આંખ પણ ફોડી નાખી. શ્વાન હડકાયુ થયુ હોવાનુ કહી 4 નરાધમોએ આ શ્વાન પર અત્યાચારની તમામ હદો વટાવી દીધી. ગંભીર ઈજાને પગલે શ્વાનનું મોત નિપજ્યુ છે. ઘટના શહેરના માર્કેટ યાર્ડ પાસે બની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે સખ્તમાં સખ્ત પગલા લેવા માગ ઉઠી છે.
-
અમદાવાદ : NEETની પરીક્ષા રદ થતા અનેક વિદ્યાર્થીઓને હાલાકી
NEETની પરીક્ષા રદ થઈ હોવા છતા વિવિધ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. રાત્રે મોડેથી લેવાયેલા નિર્ણયની જાણ પરીક્ષાર્થીઓને ન થતા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. 22મી જૂને 10 વાગ્યા બાદ પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો. જેની જાણકારી સોશિયલ મીડિયા એક્સ પર આપવામાં આવી હતી.
-
PM મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચક મુલાકાત, રાજ્યના સર્વાંગી વિકાસ મુદ્દે ચર્ચા
દિલ્હી સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગે સીએમએ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ X પર આપી માહિતી આપી છે. CMએ પીએમ મોદીને ત્રીજીવાર પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. સાથે આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાગી વિકાસ મુદ્દે ચર્ચા થઈ છે.
-
બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિરે લંપટ સાધુઓ સામે કરાયેલા વિરોધ પ્રદર્શન મામલે નોંધાઈ ફરિયાદ
ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી વિનુ રાખોલિયાએ 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગત 16 જૂને લંપટ સાધુઓના વિરોધમાં હરીભક્તોએ વિરોધ કર્યો હતો. હરિભક્તોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી મંદિરમાં હોબાળો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ કરાયો છે.
-
લાઠીમાં યોજાયેલા સત્કાર સમારોહમાં સાંસદ ભરત સુતરિયાનો જોવા મળ્યો અલગ જ અંદાજ
લાઠીમાં યોજાયેલા સત્કાર સમારોહમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ તડાફડી બોલાવી. સાંસદ તરીકે ચૂંટાયા બાદ સુતરિયા અલગ અંદાજમાં જ જોવા મળ્યા. લોકસભાની ચૂંટણી વખતે સુતરિયાની યોગ્યતાને લઈને ભાજપ પક્ષમાં પણ સવાલો ઉઠ્યા હતા.ત્યારે હવે ભરત સુતરિયાએ સત્કાર સમારોહમાં હિન્દીમાં ભાષણ આપીને કહ્યું કે મારે દિલ્લી જવાનું છે અને ત્યાં હિન્દી આવડવું જરૂરી છે. ગુજરાતી ભાષા ત્યાં નથી બોલાતી. આટલું કહીને સાંસદ સુતરિયાએ હિન્દીમાં સંબોધન શરૂ કર્યું. મહત્વનું છે કે એક સમયે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કહ્યું હતુ કે ભરત સુતરિયાને ઇન્ટરવ્યુ આપતા નથી આવડતું. તેમના આ નિવેદન પર નામ લીધા વગર આડકતરી રીતે સુતરિયાએ કંઈક આ રીતે સણસણતો જવાબ આપ્યો.
Published On - Jun 23,2024 8:16 AM