By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી અયોધ્યામાં ના માત્ર રોજગારીની તકો વધી છે, પરંતુ સરકારની આવક પણ વધી છે. તમે આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારને અંદાજે 400 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. ટ્રસ્ટના સચિવ સંપત રાયે રવિવારે આ માહિતી આપી હતી. અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે આ ચુકવણી કરવામાં આવી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, સંપત રાયે કહ્યું કે, આ રકમ 5 ફેબ્રુઆરી, 2020 અને 5 ફેબ્રુઆરી, 2025 વચ્ચે જમા કરવામાં આવી હતી. તેમાંથી રૂ. 270 કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 130 કરોડ અન્ય ટેક્સ કેટેગરીમાં જમા કરવામાં આવ્યા હતા.
રામ મંદિરના નિર્માણ સાથે, અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે, જે તેને એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્ર બનાવે છે.
સંપત રાયનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે 16 કરોડથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી 5 કરોડે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ મોટાભાગના ભક્તો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવી આવ્યા હતા. આવી સ્થિતિમાં અયોધ્યામાં વધુ ભીડ જોવા મળી હતી. આ કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ સંપત રાયે સ્થાનિક શ્રદ્ધાળુઓને 15 દિવસ પછી અયોધ્યા આવવાની સલાહ આપી હતી.
રામ મંદિરને લગતા અન્ય તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.