સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ટેલિકોમ કંપની વોડાફોનની અપીલ પર આપ્યો, જેમાં કંપનીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને પડકાર્યો છે.
કોઈ પણ કંપની વિરુદ્ધ ટેલિકોમ સેવાઓમાં (Telecom Services) ખામીને લઈને ગ્રાહક સીધી કંઝ્યુમર ફોરમમા પોતાની ફરીયાદ લઈને જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ વિક્રમ નાથની બેંચે અવલોકન કર્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ લવાદનો ઉપાય વૈધાનિક છે, આવી બાબતો ગ્રાહક ફોરમના કાર્યક્ષેત્રની બહાર રહેશે નહીં. ખંડપીઠે કહ્યું કે જો ગ્રાહક આર્બિટ્રેશનનો માર્ગ અપનાવવા માંગે છે, તો તે માન્ય છે પરંતુ કાયદા હેઠળ આવું કરવું ફરજિયાત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ આપવામાં આવેલ ઉપાયોનો ઉપયોગ કરી શકે છે. જેનું સ્થાન 2019ના કાયદા દ્વારા લેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ટેલિકોમ કંપની વોડાફોનની અપીલ પર આપ્યો, જેમાં કંપનીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને પડકાર્યો છે.
ક્યા મામલાની સુનાવણીમાં લેવાયો નિર્ણય ?
અજય કુમાર અગ્રવાલ નામના વ્યક્તિએ 25 મે, 2014ના રોજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, અમદાવાદ સમક્ષ વોડાફોનની સેવાઓમાં ઉણપનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર, અગ્રવાલ પાસે પોસ્ટ-પેઇડ મોબાઇલ કનેક્શન હતું, જેની માસિક ફી 249 રૂપિયા હતી. વોડાફોન અગ્રવાલને મોબાઈલ સર્વિસ પૂરી પાડતી હતી.
અગ્રવાલે ક્રેડિટ કાર્ડ દ્વારા કંપનીના બિલ ચૂકવવા માટે ‘ઓટો પે’ સિસ્ટમ લીધી હતી. વોડાફોનને તેનું પેમેન્ટ છેલ્લી તારીખ પહેલા કરવામાં આવતું હતું. અગ્રવાલનો આરોપ છે કે 8 નવેમ્બર, 2013થી 7 ડિસેમ્બર, 2013 સુધી તેમનું સરેરાશ માસિક બિલ 555 રૂપિયા હતું. પરંતુ તેમની પાસેથી 24,609.51 રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું હતું. અગ્રવાલે આ બાબતે જિલ્લા ગ્રાહક ફોરમમાં વ્યાજ સહિત 22,000 રૂપિયાનું વળતર ચૂકવવા અપીલ કરી હતી.
આ સિવાય જો તમે ઘરની છત પર કે તમારી જમીન પર મોબાઈલ ટાવર લગાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દૂરસંચાર વિભાગ મોબાઈલ ટાવર લગાવવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી રહ્યું છે. જો તમે પણ આ દાવામાં આવીને મોબાઈલ ટાવર લગાવવા માટે પૈસા ચૂકવી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. આ દાવો સંપૂર્ણપણે નકલી છે. PIB ફેક્ટ ચેક મુજબ, DoT આવા પ્રમાણપત્રો જાહેર કરતું નથી.
આ પણ વાચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ