રશિયા-યુક્રેન યુદ્ધથી સંબંધિત ઘટનાક્રમો, વ્યાપક આર્થિક આંકડા દ્વારા નક્કી થશે શેર-બજારોની દિશા
બજારના જાણકારોનું કહેવુ છે કે, આગામી સપ્તાહે બધાની નજર રશિયા-યુક્રેન વિવાદ સંબંધિત ઘટનાક્રમ પર રહેશે. આ સિવાય બજારના સહભાગીઓ ઊર્જાના ભાવ પર પણ નજર રાખશે.
રશિયા-યુક્રેન યુદ્ધથી (Russia-Ukraine War) સંબંધિત ઘટનાક્રમો આ સપ્તાહ શેરબજારોની (Share Market) દિશા નક્કી કરશે. ગયા અઠવાડિયે રશિયા દ્વારા યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ વિશ્વભરના બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. વિશ્લેષકો માને છે કે આ અઠવાડિયે રશિયા-યુક્રેન વિવાદ સંબંધિત ઘટનાક્રમ સિવાય, મહત્વપૂર્ણ મેક્રોઇકોનોમિક ડેટા બજારની દિશા નક્કી કરશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અને પીએમઆઈના આંકડા આ સપ્તાહે આવવાના છે. કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “ત્રિમાસિક પરિણામોની સિઝન પાછળ હોવાથી, બજાર આગામી સપ્તાહમાં વૈશ્વિક બજારના વલણ દ્વારા માર્ગદર્શન મેળવશે.”
બધાની નજર રશિયા-યુક્રેન વિવાદ સંબંધિત ઘટનાક્રમ પર રહેશે
શ્રીકાંત ચૌહાણે કહ્યું કે, બધાની નજર રશિયા-યુક્રેન વિવાદ સંબંધિત ઘટનાક્રમ પર રહેશે. આ સિવાય બજારના ભાગીદારો ઊર્જાના ભાવ પર પણ નજર રાખશે. ગુરુવારના ભારે ઘટાડા બાદ શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 2.5 ટકાનો વધારો નોંધાયો હતો. ગુરુવાર છેલ્લા બે વર્ષમાં બજાર માટે સૌથી ખરાબ દિવસ સાબિત થયો હતો.
શુક્રવારે, BSE 30 શેરનો સેન્સેક્સ 1,328.61 પોઈન્ટ અથવા 2.44 ટકા વધીને 55,858.52 પોઈન્ટ પર પહોંચ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 410.45 પોઈન્ટ અથવા 2.53 ટકાના વધારા સાથે 16,658.40 પોઈન્ટ પર બંધ થયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 1,974 પોઈન્ટ અથવા 3.41 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ નિફ્ટીમાં 618 પોઈન્ટ અથવા 3.57 ટકાનો ઘટાડો થયો છે.
બજારોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે
વિશ્લેષકો માને છે કે આગામી કેટલાક દિવસો દરમિયાન બજારમાં ભારે અસ્થિરતા જોવા મળશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, “રશિયા-યુક્રેન વિવાદ પર બજારની નજર રહેશે.” તેમણે કહ્યું કે વેપારીઓએ ભારે અસ્થિરતાથી સતર્ક રહેવું પડશે. બીજી તરફ, રોકાણકારો તાજેતરના ઘટાડાનો લાભ લઈ શકે છે અને તેમના પોર્ટફોલિયોમાં મોટી કંપનીઓના શેર ઉમેરી શકે છે.
સપ્તાહ દરમિયાન તમામની નજર ઓટો કંપનીઓના શેર પર પણ રહેશે. ઓટો કંપનીઓના ફેબ્રુઆરીના વેચાણના આંકડા 1 માર્ચે આવશે. બજારના સહભાગીઓને સ્થાનિક મોરચે મોટા આંકડાની રાહ રહેશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) 28 ફેબ્રુઆરીના રોજ 2021-22ના ત્રીજા ક્વાર્ટર માટે GDP અનુમાન જાહેર કરશે.
રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાની સાથે સાથે ઘણા દેશો યુક્રેનને હથિયારો આપી રહ્યા છે
વૈશ્વિક મોરચે વાત કરવામાં આવે તો રશિયા દ્વારા યુક્રેનની એરસ્પેસ અને ઇંધણ સુવિધાઓ પર હુમલા ચાલુ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર કેટલાક કડક પ્રતિબંધો સાથે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા છે.
HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના વડા દીપક જસાણીએ જણાવ્યું હતું કે, “જ્યારે રશિયા-યુક્રેન સંબંધિત ઘટનાક્રમો બજારની દિશાને અસર કરશે, એવા સમયે જ્યારે વિશ્વ ઓમિક્રોન ખતરા પછી પુનરુદ્ધારના માર્ગ પર છે, કારણ કે પુરવઠાની મર્યાદાઓ અને કોમોડિટીના ભાવમાં ઉછાળાથી અર્થવ્યવસ્થાને અસર થશે.
આ પણ વાંચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ