Valsad : લૂંટારો બન્યો સંત ! 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડ, જુઓ Video
ગુનો કરવાની સાથે ગુનાને છુપાવવો એટલો જ મુશ્કેલ છે. જ્યારે કાયદાકીય સકંજો કસાતો હોય ત્યારે તમે ગુનો છુપાવવા માટે કરેલા પ્રયાસો નિષ્ફળ જતા હોય છે. આવી જ કંઈક ઘટના વલસાડમાંથી સામે આવી છે.
ગુનો કરવાની સાથે ગુનાને છુપાવવો એટલો જ મુશ્કેલ છે. જ્યારે કાયદાકીય સકંજો કસાતો હોય ત્યારે તમે ગુનો છુપાવવા માટે કરેલા પ્રયાસો નિષ્ફળ જતા હોય છે. આવી જ કંઈક ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાના પાપને છુપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. ભગવા કપડાની પાછળ છુપાયેલો આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઝડપી પાડ્યો છે.
ચપ્પુ અને રિવોલ્વર સાથે કરી હતી લૂંટ
ઉત્તર પ્રદેશના કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો. 21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેમના સાગરીતો સાથે ચપ્પુ રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી વર્ષોથી પોલીસના ચોપડે ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું.
આરોપી 21 વર્ષથી હતો ફરાર
પોલીસે તપાસ કરતા આરોપી પોતાના ગુનાઓને છુપાવવા માટે ઉત્તર પ્રદેશના કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની આશ્રમમાં રહેતો હતો. પોલીસે ટીમ બનાવી કાશી મોકલી હતી અને આરોપીની ધરપકડ કરી.
પ્રથમ નજરે આશ્રમમાં બેઠેલા શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ આરોપી શિવપૂજન તિવારી છે કે પછી સંત તે ઓળખવામાં પોલીસ પણ થાપ ખાઈ ગઈ. ગુનાને છુપાવવા માટે સાધુ બનીને 21 વર્ષ જેટલો લાંબો સમયગાળો કાશીના આશ્રમમાં રહ્યાં હતા. પરંતુ પાપનો ઘડો ફૂટ્યો અને શ્રી શ્રી 108 સ્વામી અનંત દેવ નામ ધારણ કરનાર શિવ પૂજન તિવારી આરોપી બનીને પોલીસના સકંજામાં ફીટ થઈ ગયો. પૂછપરછ બાદ સંત બની બેઠેલા શિવપૂજન તિવારીની પોલીસે ધરપકડ કરી અને વલસાડ ખાતે લાવીને પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.