રાજનાથ સિંહ
રાજનાથ સિંહ દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. હાલમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ છે. તેઓ ભારતના ગૃહમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નાના ગામ ભાભોરામાં થયો છે. તેમનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.
તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાજનાથ સિંહ શરૂઆતમાં મિર્ઝાપુરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કરતા હતા. તેઓ માત્ર 13 વર્ષની વયે RSSમાં જોડાયા હતા, જેણે તેમના માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કર્યો હતો. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઈ.સ. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેઓ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.