ઓપરેશન સિંદૂરમાં નૌકાદળનો ઉપયોગ કર્યો હોત તો પાકિસ્તાન 4 ટુકડામાં વહેંચાઈ ગયુ હોત, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર ભારતને સોંપો પછી જ વાતચીત- રાજનાથસિંહ
ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લેતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, હાફીઝ સૈયદ અને અઝહર મસૂદ ભારતને સોપો પછી જ વાતચીત કરાશે. ઓપરશન સિદૂરનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે કહ્યું કે, નૌકાદળનો તો ઉપયોગ જ નહોતો કર્યો, જો કર્યો હોત તો પાકિસ્તાનના 4 ટુકડાઓ થઈ ગયા હોત.

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, આજે શુક્રવારે ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે આજે હું INS વિક્રાંત પર મારા નૌકાદળના યોદ્ધાઓની વચ્ચે હોવાનો ખૂબ આનંદ અનુભવું છું. જ્યારે હું ભારતની દરિયાઈ શક્તિના ગૌરવ INS વિક્રાંત પર ઉભો છું, ત્યારે મને ખુશીની સાથે સાથે ગર્વ અને વિશ્વાસ પણ થાય છે કે જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા તમારા મજબૂત હાથમાં છે, ત્યાં સુધી કોઈ ભારત સામે કોઈ ઊંચી આંખ કરીને પણ જોઈ નહીં શકે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી, તે ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે પાકિસ્તાન ભારતીય નૌકાદળની માત્ર તૈયારીઓથી જ ડરી ગયું હતું. 1971માં જ્યારે નૌકાદળ યુદ્ધમાં ઉતર્યું ત્યારે પાકિસ્તાન 1 માંથી 2 ભાગમાં વહેચાઈ ગયું. જો નૌકાદળ ઓપરેશન સિંદૂરમાં દરિયાની અંદરથી જોડાયું હોત, તો પાકિસ્તાન ફક્ત 2 નહીં પણ 4 ભાગમાં વહેંચાઈ ગયું હોત.

તેમણે કહ્યું, 'ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય નૌકાદળે અરબ સાગરમાં માત્ર તેની હાજરીથી દરેક ભારતીયને પ્રભાવિત કર્યા છે. ભારતીય નૌકાદળ પાકિસ્તાની સેનાને બાંધવામાં સફળ રહ્યું. જરા કલ્પના કરો કે જે વ્યક્તિ મૌન રહીને પણ કોઈ દેશની સેનાને બોટલમાં બંધ રાખી શકે છે, તે બોલશે ત્યારે દ્રશ્ય કેવું હશે ? જો પાકિસ્તાન આ વખતે કોઈ નાપાક કૃત્ય કરે છે, તો શક્ય છે કે આ વખતે ઓપનિંગ આપણી નૌકાદળ દ્વારા કરવામાં આવશે.'

રક્ષા મંત્રીએ કહ્યું, 'પાકિસ્તાને સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કે આઝાદી પછીથી તે જે આતંકવાદનો ખતરનાક ખેલ રમી રહ્યું છે તે હવે સમાપ્ત થઈ ગયું છે. હવે જ્યારે પણ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કોઈ આતંકવાદી કૃત્ય ઉશ્કેરશે, ત્યારે તેને તેનું પરિણામ ભોગવવું પડશે જ, પણ દર વખતની જેમ હારનો સામનો કરવો પડશે.’

તેમણે કહ્યું, ‘ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ આતંકવાદ સામે ભારતનો સીધો હુમલો છે. અમે આતંકવાદ સામે દરેક પદ્ધતિનો ઉપયોગ કરીશું જે પાકિસ્તાન વિચારી પણ શકે છે, પરંતુ અમે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં પણ અચકાઈશું નહીં જે પાકિસ્તાન વિચારી પણ ન શકે.

પાકિસ્તાનની ધરતી પરથી ખુલ્લેઆમ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ભારત સરહદની આ બાજુ અને તે બાજુ અને સમુદ્ર બંને બાજુ આતંકવાદીઓ સામે દરેક પ્રકારની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આજે આખી દુનિયા આતંકવાદ સામે પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનો અધિકાર સ્વીકારી રહી છે. આજે, વિશ્વની કોઈ શક્તિ ભારતને આ કામ કરતા રોકી શકતી નથી.’

રાજનાથ સિંહે કહ્યું, ‘પાકિસ્તાનના પક્ષમાં એ વાત સારી રહેશે કે તે પોતાની ભૂમિ પર ઊગી રહેલી આતંકવાદની નર્સરીને પોતાના હાથે જ ઉખેડી નાખે. પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ ભારતને સોંપીને તેની શરૂઆત કરવી જોઈએ. આ બંને ફક્ત ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં જ નથી, પરંતુ તેઓ યુએનના નિયુક્ત આતંકવાદીઓની યાદીમાં પણ છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો ગુનેગાર છે.

તેમણે કહ્યું, 'ગઈકાલે જ, પાકિસ્તાનના વડા પ્રધાને આ વાતનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો વાતચીત થશે તો તે માત્રને માત્ર આતંકવાદ અને પીઓકે પર થશે. જો પાકિસ્તાન વાતચીત પ્રત્યે ગંભીર હોય, તો તેણે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ જેથી તેની સામે ન્યાય થઈ શકે.'
‘જય હિન્દ જય ભારત’
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.