કોહલીએ રોહિતનો ખેલ કર્યો ! 1403 દિવસ પછી… ODI માં એકવાર ફરી વગાડ્યો ‘ડંકો’, હિટમેનને થયું નુકસાન પરંતુ સિરાજ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમીને લાંબી છલાંગ મારી છે.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2026 ની શરૂઆત સારી રહી છે. વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI માં ધમાકેદાર ઇનિંગ બાદ કોહલી હવે વિશ્વનો નંબર વન ODI બેટ્સમેન બની ગયો છે. ‘કિંગ કોહલી’ લાંબા સમય બાદ નંબર વન ODI બેટ્સમેન બન્યો છે.
રોહિતને કેવી રીતે નુકસાન થયું?
ન્યુઝીલેન્ડ સામે 93 રનની ઇનિંગ રમીને, તે 1403 દિવસ પછી ફરીથી ICC ODI રેન્કિંગમાં નંબર-01 બેટ્સમેન બન્યો છે. આ દરમિયાન, ‘રોહિત શર્મા’ જે અગાઉ ટોપનું સ્થાન ધરાવે છે, તેને ઝટકો લાગ્યો છે અને તે રેન્કિંગમાં નીચે સરકી ગયો છે.
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 91 બોલમાં 93 રન બનાવ્યા હતા અને ભારતને 300 રનના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ એક ઇનિંગથી તેને રેન્કિંગમાં સીધો ફાયદો થયો છે.
ODI રેન્કિંગમાં ફરી ટોપ પર
કોહલીનું રેટિંગ હવે વધીને 785 થઈ ગયું છે. જુલાઈ 2021 પછી આ પહેલી વાર છે, જ્યારે વિરાટ કોહલી ODI રેન્કિંગમાં ટોચ પર પાછો ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ તે શાનદાર ફોર્મમાં છે. તેની છેલ્લી પાંચ વનડેમાં તેણે દરેક મેચમાં 50 થી વધુ રન બનાવ્યા છે. તેના છેલ્લા પાંચ સ્કોર્સ 74 અણનમ, 135, 102, 65 અણનમ અને 93 છે.
આ સિવાય રોહિત શર્મા નંબર 1 રેન્કિંગમાંથી બે સ્થાન નીચે ત્રીજા સ્થાને આવી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં, રોહિતે 29 બોલમાં ફક્ત 26 રન બનાવ્યા હતા. રોહિતનું રેટિંગ હવે 775 થઈ ગયું છે.
મિશેલ આપશે કોહલીને ટક્કર
વધુમાં જોઈએ તો, ન્યુઝીલેન્ડના ખેલાડી ડેરિલ મિશેલે પણ પ્રથમ વનડેમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે તે 784 ના રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે, વિરાટ કોહલી (785) અને ડેરિલ મિશેલ (784) વચ્ચે ફક્ત એક જ રેટિંગ પોઈન્ટનો તફાવત છે. એવામાં વિરાટે આગામી મેચમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે.
સિરાજ પણ ફાયદામાં રહ્યો
ફક્ત બેટ્સમેનોમાં જ નહીં પરંતુ બોલરોના રેન્કિંગમાં પણ ફેરફાર થયેલ છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તેના સારા પ્રદર્શનનું ફળ મળ્યું છે. તે પાંચ સ્થાનનો કૂદકો મારીને 15 મા સ્થાને પહોંચી ગયો છે. આ દરમિયાન, ન્યૂઝીલેન્ડના કાયલ જેમિસનને પણ ઘણો ફાયદો થયો છે. તે 27 સ્થાન ઉપર ચઢીને 69મા સ્થાને પહોંચી ગયો છે.
