ગીર નેશનલ પાર્ક
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.