એશિયાટિક સિંહોની સુરક્ષા વધારવા અધિકારીઓને આદેશ, સિંહોના અકસ્માતે મોત વધતા તાબડતોબ મળી બેઠક-Video
ગુજરાતમાં એશિયાટિક સિંહોના માર્ગ અકસ્માતોમાં વધારો થતા વન વિભાગે તાબડતોબ બેઠક યોજી છે. સિંહોની સુરક્ષા વધારવા અને અકસ્માતે મૃત્યુ ઘટાડવા અધિકારીઓને આદેશ અપાયા છે
અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોનો ગઢ ગાય છે. ગીર, સાસણગીર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી હાઈવે પર સિંહોના અકસ્માતની ઘટનામાં વધારો થતાં વનવિભાગે તાબડતોબ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા સિંહોની સુરક્ષા માટે સૌથી જોખમી સ્થળો શોધીને તેનું લિસ્ટ બનાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જરૂર પડે તે સ્થળ પર નેશનલ ઓથોરિટી સહિત માર્ગોના અધિકારીઓને વન વિભાગ સાથે રાખીને સ્પીડ બ્રેકર ઉભી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
સિંહોની સુરક્ષા વધારવા અને અકસ્માતે મૃત્યુ ઘટાડવા અધિકારીઓને આદેશ અપાયા છે. જોખમી સ્થળોની ઓળખ, સ્પીડ બ્રેકર સ્થાપના, અને જરૂર પડ્યે સિંહોને રેડિયો કોલર પહેરાવવા જેવા પગલાં લેવાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના DCF અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
અમરેલી જિલ્લામાં સિંહોના અકસ્માતોની ઘટનાઓ બાદ વન વિભાગ વધુ સતર્ક બન્યું છે. તાજેતરમાં, ધારીના છતડીયા નજીક સ્ટેટ હાઈવે પર 11 એશિયાટિક સિંહોનું એક ટોળું જોવા મળ્યું હતું, જે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ તુરંત જ કાર્યવાહી કરી, વાહનવ્યવહારને અટકાવીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકસાથે 11 સિંહોને શાંતિપૂર્ણ રીતે હાઈવે ક્રોસ કરતા જોઈ શકાય છે. વન વિભાગની આ સમયસર અને સજાગ કામગીરીને કારણે સંભવિત અકસ્માત ટળ્યો હતો અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. આ પ્રશંસનીય કાર્યને વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ વખાણીને વન વિભાગના કર્મચારીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli