Gujarat Budget 2026-27 Breaking : Viksit Gujarat@2047 તરફ મોટું પગલું, શ્રમ અને કૌશલ્ય વિકાસ માટે ₹2902 કરોડની જાહેરાત
રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઈ કરી છે, જેમાં ITI મજબૂતિકરણથી લઈને શ્રમિક કલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે આ વર્ષે રજૂ કરેલા બજેટમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને કુલ ₹2902 કરોડની ફાળવણી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના વિકાસ માટે કુશળ માનવબળ અને શ્રમિક કલ્યાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ ફાળવણી તે પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન
‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ અંતર્ગત ₹226 કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ યુવાનોને આધુનિક કૌશલ્ય તાલીમ દ્વારા રોજગારી સાથે જોડવાનો છે. આ મિશન હેઠળ તાલીમાર્થીઓને મજબૂત ટેક્નિકલ અને વ્યાવસાયિક કૌશલ્ય આપવામાં આવશે, જેથી તેઓ શ્રમ બજારમાં સક્ષમ અને આત્મનિર્ભર બની શકે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ₹200 કરોડ ફાળવાયા છે, જે રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવા માટે ઉપયોગી રહેશે. તે જ રીતે, PM Setu Yojna માટે ₹200 કરોડ અને શ્રમિક બસેરા યોજના માટે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે સ્થળાંતરિત શ્રમિકોને સુરક્ષિત રહેઠાણ અને આધાર પૂરૂં પાડશે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા
રાજ્યની 16 નવી ITI બિલ્ડિંગના બાંધકામ માટે ₹97 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમજ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્રસામગ્રી પૂરી પાડવા ₹84 કરોડ ફાળવાયા છે. વિવિધ ITIમાં માળખાકીય સુવિધા વધારવા અને ફાયર સેફ્ટી સુવિધા માટે ₹64કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે, દર વર્ષે 1 લાખ 50 હજાર તાલીમાર્થીઓને બે યુનિફોર્મ માટે DBT મારફતે ₹30 કરોડની સહાય આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વાર્ષિક ખર્ચમાં રાહત આપશે.
ધન્વંતરિ આરોગ્ય રથ
આ ઉપરાંત, ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹60 કરોડ ફાળવાયા છે, જે આરોગ્ય સેવા લાભને શ્રમિકો સુધી પહોંચાડશે. ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ માટે ₹40 કરોડ ફાળવાયા છે, જે મહિલા શ્રમિકો અને કૌશલ્ય તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપશે. મીઠાના અગરિયાઓને આવાસ ફાળવવા ₹25 કરોડ ફાળવાયા છે, જ્યારે સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજનાના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં ₹૫ લાખની સહાય આપવા ₹12 કરોડ ફાળવાયા છે.
આ ફાળવણી દર્શાવે છે કે રાજ્ય સરકાર શ્રમિકોની સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ, રોજગાર અને આવાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપી રહી છે. આ પગલાં માત્ર આંકડાઓ નહીં, પરંતુ કર્મઠ શ્રમિકો અને યુવાનોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે મજબૂત રીતે મકસદ રાખે છે. વિકસિત ગુજરાત@2047 તરફના આ પગલાંને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે અને તે આગામી પેઢી માટે ગતિશીલ અને આત્મનિર્ભર સામાજિક માળખું તૈયાર કરશે.