મોદી સરકાર-03ના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતને શું આપ્યું ?
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે નાણાંકીય વર્ષ 2025-2026 માટેનું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યુ. આ અંદાજપત્રમાં દેશના આર્થિક વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ અંદાજપત્રમાં ગુજરાત રાજ્યને ઘણી યોજનાઓ અને નીતિગત નિર્ણયોનો સીધો લાભ મળશે. ખાસ કરીને આમાં માળખાગત સુવિધાઓ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક વિકાસ અને વેપાર પ્રોત્સાહન સંબંધિત પહેલોનો સમાવેશ થાય છે.


નિર્મલા સિતારમણે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટી માટે નવા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. IFSC (આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર) માં નવા રોકાણોને આકર્ષવા માટે કર મુક્તિ અને અન્ય સુવિધાઓ આપવાની જાહેરાત કરાઈ છે. ગિફ્ટ સિટીમાં નવી બેંકિંગ, વીમા અને ટ્રેઝરી મેનેજમેન્ટ કંપનીઓ સ્થાપવા માટે કર લાભો વધારવામાં આવ્યા છે.

ગુજરાત સહીત દેશભરના બંદરો અને લોજિસ્ટિક્સ હબને મજબૂત બનાવવા માટે "મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ" ની જાહેરાત કરવામાં આવી છે. ₹25,000 કરોડનું આ ભંડોળ, લોજિસ્ટિક્સ અને બંદર માળખાગત સુવિધાને વેગ આપશે. 1600 કિલોમીટર લાંબા ગુજરાતના દરિયાકાંઠે આવેલા બંદરોને આંતરરાષ્ટ્રીય વેપાર અને જહાજ નિર્માણમાં વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આવશે.

ગુજરાત, જે ભારતનું મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્ય છે, તેને "કપાસ ઉત્પાદકતા માટે મિશન" યોજનાનો મોટો લાભ મળશે. અંદાજપત્રમાં આગામી 5 વર્ષનું મિશન ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, નવીનતમ કૃષિ ટેકનોલોજી અને વધુ ઉપજ માટે સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના કાપડ ઉદ્યોગને વધુ કાચો માલ ઉપલબ્ધ થશે, જેનાથી નિકાસ અને રોજગારમાં ભારે વધારો થશે.

ગુજરાતને સૌર ઉર્જા અને ગ્રીન ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર રાખવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. નવા "નવીનીકરણીય ઉર્જા ઝોન" બનાવવામાં આવશે, જેથી ગુજરાતમાં મોટા સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ સ્થાપી શકાય. ભારતના "ગ્રીન હાઇડ્રોજન મિશન"નો મોટો ભાગ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, જેનાથી રાજ્યની ઉર્જા ક્ષમતા અને રોકાણમાં વધારો થશે.

ગુજરાતમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ હાઇવે, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. ગુજરાતના મુખ્ય શહેરોને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP)માં સમાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારને માળખાગત વિકાસ માટે વધારાની ₹1.5 લાખ કરોડની વ્યાજમુક્ત લોન મળશે.

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને કેન્દ્રની વિવિધ યોજનાઓ મારફતે ₹10,000 કરોડ સુધીની નવી નાણાકીય સહાય મળશે. ગુજરાતના સ્ટાર્ટઅપ્સને 'ડીપ ટેક ફંડ' હેઠળ AI, રોબોટિક્સ અને બ્લોકચેન ટેકનોલોજીમાં કામ કરવા માટે ભંડોળ આપવામાં આવશે.
દર વર્ષે રજૂ થતા અંદાજપત્રમાં દેશના તમામ ક્ષેત્રના લોકો કોઈને કોઈ આશા અપેક્ષા રાખતા હોય છે. કેન્દ્રીય અંદાજપત્રમાં કયા કયા ક્ષેત્રમાં કોને કેવો ફાયદો થશે તે જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

































































