ગુજરાતના અમીર સાંસદ કોણ ? 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત, નામ જાણી ચોંકી જશો
ADRના રિપોર્ટ મુજબ 2014-2024માં રિપીટ સાંસદોની મિલકતમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. કુલ 102 સાંસદોની સરેરાશ મિલકત 110% વધીને રૂ. 33.13 કરોડ થઈ છે. ત્યારે ગુજરાતમાં કયા ધારાસભ્ય અમીર બન્યા તેની વિગત અહીં આપવામાં આવી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ (ADR) દ્વારા 2014થી 2024 દરમિયાન સતત ચૂંટાઈ આવેલા સાંસદોના ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામાનું વિશ્લેષણ કરીને એક મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કુલ 103 રિપીટ થયેલા સાંસદોમાંથી 102 સાંસદોની મિલકતમાં થયેલા વધઘટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

અહેવાલ મુજબ જામનગર લોકસભા બેઠક પરથી સાંસદ પુનમબેન હેમંતભાઈ માડમની મિલકતમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 2014માં તેમની કુલ મિલકત અંદાજે રૂ.17 કરોડ હતી, જે 2024ની ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલા સોગંદનામા મુજબ વધીને રૂ.147 કરોડથી વધુ થઈ ગઈ છે. આ રીતે તેમની મિલકતમાં રૂ.130 કરોડનો વધારો થયો છે, જે ટકાવારીના હિસાબે 747 ટકા જેટલો થાય છે. (ફેમિલી ટ્રીની લિંક નીચે આપેલ છે.)

બીજી તરફ નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ સી.આર. પાટીલની મિલકતમાં ઘટાડો નોંધાયો છે. ADRના અહેવાલ અનુસાર, નવસારીના સાંસદની મિલકતમાં છેલ્લા 10 વર્ષમાં રૂ.34 કરોડનો ઘટાડો થયો છે, જે ટકાવારીના હિસાબે લગભગ 47 ટકા જેટલો થાય છે. આ ઘટાડો અન્ય સાંસદોની સરખામણીએ અલગ અને નોંધપાત્ર ગણાય છે. (ફેમિલી ટ્રીની લિંક નીચે આપેલ છે.)

ADRના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં રૂ.17.36 કરોડનો વધારો થયો છે. 2014માં સાંસદોની સરેરાશ મિલકત રૂ.15.76 કરોડ હતી, જ્યારે 2024ની ચૂંટણી વખતે રજૂ કરાયેલા સોગંદનામા મુજબ આ સરેરાશ મિલકત વધીને રૂ.33.13 કરોડ સુધી પહોંચી છે.

ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં લગભગ 110 ટકા જેટલો વધારો થયો હોવાનું ADRના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલે રાજકીય ક્ષેત્રમાં આર્થિક પારદર્શકતા અને જનપ્રતિનિધિઓની મિલકત અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.
સાંસદ પૂનમ માડમ અને સી.આર પાટીલ ના પરિવાર વિશે જાણવા અહીં ક્લિક કરો...
