Teachers’ Day : શા માટે શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવે છે, જાણો તેનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય
Teachers' Day History : ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher's Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.

1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું, ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે, જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી, શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું.

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તામિલનાડુના તિરુમાણી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો અને તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 ના રોજ ચેન્નઈમાં અવસાન થયું.

શિક્ષક દિવસનો દીવસ ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દીવસે તેમનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

આ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. શાળાઓમાં, વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે નૃત્ય અને ગાયન પ્રદર્શન, કાર્યક્રમો અને નાટકો રજૂ કરે છે. વિદ્યાર્થીઓ તેમના મનપસંદ શિક્ષકને ગુલાબ, હાથથી બનાવેલા કાર્ડ અને ભેટો પણ આપે છે.

શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં 10 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં 15 ઓક્ટોબર અને પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.