ટીમ ઈન્ડિયાના રંગે રંગાયા દર્શકો, ભારત માતાકી જયના નારા અને જીતના આશાવાદ સાથે પહોંચ્યા સ્ટેડિયમ- જુઓ તસ્વીરો
અમદાવાદમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત છે આવો આશાવાદ સ્ટેડિયમ પર મેચ જોવા આવનાર દરેક દર્શકે વ્યક્ત કર્યો. ત્રિરંગાના ગેટઅપમાં સજ્જ થઈને ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારવા દેશના ખૂણેખૂણેથી દર્શકોનો સ્ટેડિયમ બહાર જમાવડો જોવા મળ્યો.

દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટના ફેન્સ ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ વર્લ્ડ કપ દરમિયાન ખાસ વાત એ જોવા મળી કે મોટા ભાગના દર્શકો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને આવ્યા હતા અને તમામનો જોશ હાઈ હતો. વર્લ્ડ કપ ટ્રોફી ટીમ ઈન્ડિયા જ જીતશે તેવો મજબુત આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરતા દેખાયા

સ્ટેડિયમ બહાર પણ ત્રિરંગો લઈને આવનારા દર્શકોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. જ્યાં નજર કરો ત્યાં ટીમ ઈન્ડિયાની જર્સી અને ત્રિરંગા સાથે દર્શકો આવી રહ્યા હતા. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે અને ભારત ફાઈનલમાં રમી રહ્યુ છે તેનુ ગૌરવ દરેક દર્શકના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતુ હતુ. ટીમ ઈન્ડિયાની જર્સીમાં પહેરી આવેલા આ દર્શકોને જોતા એવુ લાગે કે ઓસ્ટ્રેલિયા સામે ન માત્ર પ્લેઈંગ XI રમી રહી છે પરંતુ 140 કરોડની જનતા મેદાનમાં ઉતરી છે.

કેટલાક દર્શક એવા પણ હતા જેમને કોઈ કારણોસર સ્ટેડિયમમાંથી મેચ નિહાળવાની ટિકિટ મળી શકી ન હતી. છતા આ દર્શકોએ આશા છોડી ન હતી અને કોઈપણ રીતે ટિકિટ મળી જાય તેને લઈને સ્ટેડિયમ પહોંચ્યા હતા.

વર્લ્ડ કપની મેચ પૂર્વે લંડનથી આવેલા મૂળ ગુજરાતી કચ્છી માંડુ સંપૂર્ણ રીતે ત્રિરંગાના ગેટઅપમાં સજ્જ થઈને મેચ નિહાળવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમનુ કહેવુ છે કે વર્લ્ડ કપની દરેક મેચ દરમિયાન તેઓ આ પ્રકારે ગેટઅપમાં સજ્જ થઈને જોવા માટે પહોંચી જાય છે.આ જ પ્રકારે ભારત ઓસ્ટ્રેલિયાની ફાઈનલ નિહાળવા માટે તેઓ લંડનથી આવ્યા છે.

ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની આ મેચ દરમિયાન અનેક એવા દર્શકો હતા જે સંપૂર્ણ રીતે ત્રિરંગાના ગેટ અપમાં સજ્જ થઈને આવ્યા હતા અને આ પ્રકારે તેમની દેશપ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા. આવા જ એક વિરાટ કોહલીના જબરા ફેન અરૂણ હરિયાણી ત્રિરંગાના ગેટઅપમાં પહોંચ્યા હતા.

અરૂણ હરિયાણી છેલ્લા બે દિવસથી આ પ્રકારના ત્રિરંગાના ગેટઅપમાં સજ્જ થઈને સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યા છે. ઈન્ડિયાની દરેક મેચ દરમિયાન તેઓ ટીમ ઈન્ડિયાને ચીઅર કરવા સ્ટેડિયમ પહોંચી જાય છે.

નાના બાળકો કે મોટા સહુ કોઈ ટીમ ઈન્ડિયાની જર્સી સાથે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા અને વર્લ્ડ કપની આ ઐતિહાસિક મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાંથી જોવાની ટિકિટ મળી ગઈ હોવાથી દર્શકો તેમની આ પળને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા.