એક જ દિવસ, બે ભવ્ય રથયાત્રા… આખરે ‘પુરી’ અને ‘અમદાવાદ’ ની જગન્નાથ રથયાત્રા વચ્ચે શું છે ‘મોટો તફાવત’?
અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ બંને ઐતિહાસિક રથયાત્રાઓની ઉજવણી અને પરંપરાઓમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ તફાવતો જોવા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, એક જ દિવસે નીકળતી આ બંને ભવ્ય રથયાત્રાઓ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે અને બંનેનું પોતાનું શું ખાસ મહત્વ છે.

દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ઓડિશાના પુરીમાં પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે, જેમાં જોડાવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડે છે. એવામાં આ ઐતિહાસિક ઉત્સવ 16 જુલાઈ 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ જ દિવસે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ધામધૂમથી રથયાત્રાનું આયોજન થાય છે. જો કે, અમદાવાદ અને પુરીની રથયાત્રા વચ્ચે કેટલાક ખાસ તફાવત છે અને બંનેનું પોતાનું આગવું મહત્વ છે.

ધાર્મિક મહત્વ ધરાવતી અમદાવાદની રથયાત્રા એ પ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સન્માનમાં યોજાતો એક અત્યંત ભવ્ય મહોત્સવ છે. ઓડિશાના પુરી બાદ આ યાત્રા સમગ્ર ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા તરીકે ખ્યાતિ ધરાવે છે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે.

રથયાત્રા શરૂ થવાના આશરે 15 દિવસ પહેલા જેઠ સુદ પૂનમના દિવસે પ્રભુ જગન્નાથનો જળાભિષેક કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિને 'જલયાત્રા' કહે છે, જેમાં સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લાવીને ભગવાનને સ્નાન કરાવાય છે. એવી લોકવાયકા છે કે, આ શાહી સ્નાન બાદ પ્રભુ બીમાર પડે છે અને 15 દિવસ માટે 'ઓસડ' એટલે કે 'અનાસર' (એકાંતવાસ) માં ચાલ્યા જાય છે.

આ 15 દિવસના એકાંતવાસ બાદ પ્રભુ સાજા થાય, ત્યારે 'નેત્રોત્સવ' (નૈનાસર ઉત્સવ) મનાવવામાં આવે છે. આ બાદ જ રથયાત્રા પ્રસ્થાન કરે છે. નગરચર્યા દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ત્રણ ભવ્ય રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે. યાત્રા દરમિયાન પ્રભુ પોતાના મોસાળ સરસપુર પણ પધારે છે. આ રથયાત્રાની સૌથી ખાસ બાબત એ છે કે, તેના રૂટ પર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને કોમી એકતાના દર્શન કરાવતા પ્રભુનું ભવ્ય સ્વાગત કરે છે.

આ આખા વિશ્વમાં એકમાત્ર એવો ઉત્સવ છે કે, જ્યાં પોતે ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને ભવ્ય રથ પર સવાર થઈ નગર ભ્રમણ કરે છે. આ પ્રસંગ ભક્તોને પ્રભુની મૂર્તિની એકદમ નજીક જઈને દર્શન કરવાનો અણમોલ લ્હાવો આપે છે. વધુમાં, ભગવાનના મોસાળ સરસપુરમાં દરેક શ્રદ્ધાળુ માટે મહાપ્રસાદની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ રથયાત્રામાં લેનાર ભક્તને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે આ ઉત્સવ માટે લાકડાના ત્રણ વિશાળ રથનું નિર્માણ થાય છે. આ રથ બનાવવામાં કોઈ પણ પ્રકારના લોખંડના ખીલા કે ધાતુનો ઉપયોગ નથી થતો. તેને માત્ર પવિત્ર લીમડાના લાકડામાંથી જ તૈયાર કરાય છે. યાત્રાની શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે સોનાની સાવરણીથી રથની આગળનો માર્ગ સાફ કરે છે. આ વિધિ એ વાતનું પ્રતીક છે કે, ભગવાનના દરબારમાં કોઈ રાજા કે રંક નથી, ઈશ્વરની નજરમાં સૌ સરખા છે.

આ ભવ્ય યાત્રા દરમિયાન વિવિધ અખાડાના પહેલવાનો પોતાના અદ્ભુત કરતબ રજૂ કરે છે. સત્સંગ મંડળની મહિલાઓ પ્રભુ ભક્તિના ભજન-કીર્તન ગાતી ગાતી યાત્રામાં આગળ વધે છે. આ સાથે આકર્ષક ટેબ્લો (ઝાંખીઓ) પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા તલવારબાજી અને સાંકળોના કરતબ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને રસ જોવા મળે છે.
Jagannath Rath Yatra Live Updates : રથયાત્રામાં સરસપુરથી ઝડપાયા પોકેટમાર અને ચેઈન સ્નેચર
