Breaking News : મહેસાણામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, જુઓ Video
મહેસાણામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.જિલ્લામાં 1181 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારીમાં એડમિશન લીધું છે. વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે મહેસાણામાંથી એક અત્યંત પ્રેરણાદાયક અને સારા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને મોંઘી ખાનગી શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ મહેસાણામાં આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. અહીંની સરકારી શાળાઓની ગુણવત્તા, સ્માર્ટ ક્લાસ અને હાઇટેક સુવિધાઓને કારણે હજારો વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આવો જોઈએ આ ખાસ અહેવાલ.
સરકારી શાળામાં એડમિશન લીધું
મહેસાણા જિલ્લામાં શિક્ષણનું સ્તર નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે. ખાનગી શાળાઓના ઊંચા ફી માળખા અને મર્યાદિત સુવિધાઓની સામે સરકારી શાળાઓ હવે શ્રેષ્ઠ વિકલ્પ બનીને ઊભરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાલુ વર્ષે 1181 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી પોતાનું નામ કમી કઢાવીને સરકારી શાળામાં એડમિશન લીધું છે. સરકારી શાળાઓમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અને આધુનિક ભૌતિક સુવિધાઓ વાલીઓની વિચારસરણી બદલી રહી છે.
વિદ્યાર્થીઓનો અનુભવ સુખદ
સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પણ અહીંના વાતાવરણથી ખૂબ ઉત્સાહિત છે. અગાઉ ખાનગી શાળામાં અભ્યાસ કરતા અનુસુયા, અનુપ અને માનવ જેવા વિદ્યાર્થીઓનો અનુભવ ઘણો સુખદ છે. તેમનું કહેવું છે કે સરકારી શાળામાં તેમને સ્માર્ટ પેનલ, કોડિંગ લેબ અને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે. આ ઉપરાંત અહીં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. શિક્ષકોની સમયબદ્ધતા અને વિનામૂલ્યે મળતી તમામ સવલતો તેમને ખાનગી શાળા કરતા પણ વધુ સારી લાગી રહી છે.
વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
મહેસાણાની સરકારી પ્રાથમિક શાળા નંબર 3 આ સકારાત્મક પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે. ‘પીએમ શ્રી’ શાળા તરીકે પસંદગી પામેલી આ શાળામાં અત્યાધુનિક રિસોર્સ કોચ, સ્પોર્ટ્સ અને મ્યુઝિક ટીચર્સ ઉપલબ્ધ છે. શાળાના આચાર્યા દર્શનાબેન સુતરીયા જણાવે છે કે માત્ર આ એક જ શાળામાં ચાલુ વર્ષે 71 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ છોડીને આવ્યા છે. મફત શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને સતત એ પ્લસ (A+) ગ્રેડ મેળવતું આ શાળાનું પરિણામ ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહ્યું છે, જે વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મહેસાણાની આ સરકારી શાળાઓએ સાબિત કરી દીધું છે કે જો મજબૂત ઈચ્છાશક્તિ, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમર્પિત શિક્ષકો હોય, તો સરકારી શિક્ષણ પણ શ્રેષ્ઠ બની શકે છે. વિનામૂલ્યે અપાતું આ ગુણવત્તાયુક્ત શિક્ષણ અન્ય જિલ્લાઓ માટે પણ એક પ્રેરણારૂપ મોડલ બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો આ વધતો વિશ્વાસ એ વાતની સાબિતી છે કે સરકારી શાળાઓ હવે ખરા અર્થમાં વિદ્યાના હાઇટેક અને સાચા મંદિરો બની રહી છે.
Breaking News : રાજકોટના ફોર્ચ્યુન કારખાનામાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ, જુઓ Video અહી ક્લિક કરો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
