જ્યાં જુઓ ત્યાં ગુજરાતી.. હવે ગુજરાતની કેરીએ પણ આખી દુનિયામાં મચાવી ધમાલ, એક્સપોર્ટનો આંકડો જોઈ ચોંકી જશો
ગુજરાતની કેસર કેરી હવે માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બજારમાં પણ પોતાની સુગંધ અને સ્વાદથી ધમાલ મચાવી રહી છે. ભારતને વિશ્વમાં સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવા પાછળ ગુજરાતનું યોગદાન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે.

ગુજરાતમાંથી માત્ર વર્ષ 2024-25 દરમિયાન 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરી દુનિયાના વિવિધ દેશોમાં, જેમાં અમેરિકા અને દક્ષિણ આફ્રિકા પણ શામેલ છે, નિકાસ કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના 37 ટકા એટલે કે 1.77 લાખ હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી થાય છે. ગુજરાતના કેરી ઉત્પાદનમાં વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લાઓ મુખ્ય છે, જેમાં વલસાડે 38,000 હેક્ટર, નવસારીએ 34,800 હેક્ટર, ગીર-સોમનાથએ 18,400 હેક્ટર, કચ્છે 12,000 હેક્ટર અને સુરત જિલ્લામાં 10,200 હેક્ટર વિસ્તાર આવરે છે.

તલાલા ગીરની કેસર કેરીને તેની ગુણવત્તા અને અનોખા સ્વાદ માટે GI ટેગ (Geographical Indication) મળ્યો છે. કચ્છ સહિતના વિસ્તારોમાં પણ હવે કેસર કેરીની ખેતીમાં વૃદ્ધિ થઈ રહી છે.

અમદાવાદ નજીક બાવળામાં આવેલ ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GAPF) દ્વારા વર્ષ 2024-25 દરમિયાન 224 મેટ્રિક ટન કેરીનું ઇરેડિયેશન કરીને નિકાસ કરવામાં આવ્યું છે. આ યુનિટ USDA-APHIS દ્વારા પ્રમાણિત છે અને દેશમાં આવી માત્ર ચાર યુનિટમાંની એક છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ દ્વારા કુલ 805 મેટ્રિક ટન કેરીનું ઇરેડિયેશન થઈ નિકાસ કરવામાં આવ્યું છે. અગાઉ, ખેડૂતોને આવી પ્રક્રિયા માટે મુંબઈ જવું પડતું હતું, પરંતુ હવે આ સુવિધા સ્થાનીક સ્તરે ઉપલબ્ધ હોવાને કારણે પરિવહન ખર્ચ ઘટાડ્યો છે અને ફળોની ગુણવત્તા જાળવી શકાય છે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાવળામાં ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્ષ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. USDA-APHISની મંજૂરી મળવાથી હવે આ સુવિધાઓનો સંયુક્ત ઉપયોગ કરીને કેરી તેમજ દાડમ જેવી નિકાસક્ષમ ખેતીનો વ્યુહાત્મક વિકાસ શક્ય બન્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો