History of city name : ‘નાગેશ્વર જ્યોતિર્લિંગ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
નાગેશ્વર મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા નજીક આવેલું એક પ્રખ્યાત શિવધામ છે, જે ભગવાન શિવને અર્પિત છે. શિવ પુરાણમાં તેનું વર્ણન મળતું હોય છે અને તેને ભારતના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.

“નાગેશ્વર” શબ્દ બે ભાગોમાં વહેંચાય છે, નાગ એટલે કે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન. એટલે તેનો અર્થ થયો “સર્પોના સ્વામી” અથવા “નાગોના ઈશ્વર”. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સ્થળે ભગવાન શિવે ભક્તના રક્ષણ માટે દાનવનો સંહાર કર્યો હતો,જે સર્પના સ્વરૂપમાં ભક્તને ડરાવી રહ્યો હતો. તેથી આ સ્થાનનું નામ “નાગેશ્વર” પડ્યું.

એક લોકપ્રચલિત કથા મુજબ, સુપ્રિયા નામનો એક મહાન શિવભક્ત દરિયાકાંઠે શિવલિંગની ઉપાસના કરતા હતા. એક વખત દરિયામાં રહેતા દારુક નામના અસુરે સુપ્રિયાને બાંધી લીધો. દારુક અને તેની પત્ની દરુકાએ દરિયાની તળિયે પોતાનું રાજ્ય બનાવ્યું હતું, જ્યાં તેઓ માનવોને કેદ કરીને ત્રાસ આપતા.સુપ્રિયાએ કેદમાં પણ ભગવાન શિવની આરાધના ચાલુ રાખી અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાનું બંધ ન કર્યું. તેના અડગ ભક્તિને જોઈને ભગવાન શિવ પ્રગટ થયા અને દારુકનો સંહાર કર્યો. આ પછી ભગવાને અહીં જ પોતાના સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કર્યો, જે પછી “નાગેશ્વર” તરીકે ઓળખાયો.

શિવ પુરાણ મુજબ, નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન સમયમાં “દારુકાવન” તરીકે ઓળખાતા એક જંગલ વિસ્તારમાં આવેલ છે. “દારુકાવન”નું નામ ભારતના પ્રાચીન સાહિત્ય અને મહાકાવ્યોમાં પણ જોવા મળે છે. આવા જંગલોના ઉલ્લેખ કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન જેવા અન્ય પૌરાણિક વનોની યાદીમાં મળે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા નજીક, સૌરાષ્ટ્ર (ગુજરાત)માં સ્થિત છે. તેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. માન્યતા છે કે આ જ્યોતિર્લિંગની પૂજાથી સાપભય દૂર થાય છે અને ભક્તને શક્તિ તથા નિર્ભયતા મળે છે. મહાશિવરાત્રીના દિવસે અહીં વિશેષ મેળો યોજાય છે, જેમાં હજારો ભક્તો હાજરી આપે છે. (Credits: - Vishal Bhatnagar/NurPhoto via Getty Images )

મંદિર પાસે 25 ફૂટ ઊંચી ભગવાન શિવની ભવ્ય પ્રતિમા પણ છે, જે યાત્રાળુઓમાં ખૂબ લોકપ્રિય છે, રોજ શિવલિંગની ત્રણ વખત આરતી થાય છે અને શ્રાવણ માસ તથા મહાશિવરાત્રિએ વિશેષ ભક્તિ અનુષ્ઠાન થાય છે. (Credits: - Vishal Bhatnagar/NurPhoto via Getty Images )

નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા શહેરથી લગભગ 17 કિમી દૂર આવેલ છે. દ્વારકા-બેટ દ્વારકાની યાત્રા કરતા હજારો યાત્રાળુઓ નાગેશ્વર મંદિરના દર્શન પણ કરે છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
