Stock Market : રોકાણ માટે આજે છે છેલ્લી તક ! એજ્યુકેશન સેક્ટરના આ IPOમાં પગ મુકતાં પહેલાં આટલું જાણી લો
આ વખતે IPO માર્કેટમાં તદ્દન એક નવી કંપની મેદાનમાં ઉતરી આવી છે. જણાવી દઈએ કે, આ કોઈ IT કંપની નથી અને ન તો કોઈ મેન્યુફેક્ચરિંગની કંપની છે. IPO માર્કેટમાં આવેલી આ કંપની એજ્યુકેશન સેક્ટરની છે અને તેનું બિઝનેસ મોડેલ પણ એકદમ અલગ છે.

કંપનીનો ₹860 કરોડનો IPO 2 જુલાઈ, 2025ના રોજ ખૂલ્યો હતો. આ 'IPO'માં એપ્લાય કરવાનો છેલ્લો દિવસ આજે એટલે કે 4 જુલાઈ, 2025 સુધીનો છે. એજ્યુકેશન સેક્ટરની આ કંપનીનું નામ 'Crizac Limited' છે.

આ IPO નું બિઝનેસ મોડેલ અલગ હોવાથી રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે, આ IPOમાં રોકાણ કરવું જોઈએ કે નહી? શું તે લિસ્ટિંગ પર નફો આપશે કે લાંબા ગાળા માટે એક સારો વિકલ્પ છે? તો ચાલો રોકાણ કરતાં પહેલા કંપનીના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ જોઈ લઈએ.

આ IPO 2 જુલાઈથી 4 જુલાઈ, 2025 સુધી ખુલ્લો રહેશે. શેરની પ્રાઇસ બેન્ડ ₹233થી ₹245 નક્કી કરવામાં આવી છે. એક લોટમાં કુલ 61 શેર રહેશે, જેના આધારે ન્યૂનતમ રોકાણ ₹14,213 જેટલું થશે.

IPOની ઇશ્યૂ સાઇઝ ₹860 કરોડ જેટલી છે અને આ IPO સંપૂર્ણપણે 100% ઓફર ફોર સેલ (OFS) પ્રકારનો છે. આ IPOનું લિસ્ટિંગ 9 જુલાઈ, 2025ના રોજ BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જ પર થવાનું છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે , "100% ઓફર ફોર સેલ (OFS)" એટલે કે IPO માંથી મળેલા ₹860 કરોડ કંપની પાસે નહી જાય પરંતુ કંપનીના હાલના શેરધારકો (પ્રમોટર્સ) તેમનો હિસ્સો વેચીને આ રકમ પોતાની પાસે રાખશે.

2011 માં શરૂ થયેલી કોલકાતા સ્થિત કંપની ક્રિઝાક લિમિટેડ વિદ્યાર્થીઓ સાથે ડીલ નથી કરતી. આ કંપની યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોની ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજો માટેનું એક પ્લેટફોર્મ છે.

ક્રિઝાક 75 થી વધુ દેશોમાં 10,000 થી વધુ 'સ્ટુડન્ટ રિક્રુટમેન્ટ એજન્ટ' સાથે કામ કરે છે. સરળ ભાષામાં કહીએ તો, ક્રિઝાક વિદેશી યુનિવર્સિટીઓ અને એજન્ટોની વચ્ચે એક પુલનું કામ કરે છે. એજન્ટોને યોગ્ય યુનિવર્સિટી શોધવામાં મદદ કરે છે અને યુનિવર્સિટીને યોગ્ય વિદ્યાર્થીઓ આપે છે. આ બધું કામ ક્રિઝાક એક ટેક્નોલોજી પ્લેટફોર્મ વાપરીને કરે છે.

શું છે પોઝિટિવ પોઇન્ટ્સ? કંપનીના સંબંધો વિશ્વની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે મજબૂત અને સારા છે, જે એક વિશ્વસનીયતાનો સંકેત આપે છે. આ સિવાય ભારતમાંથી યુકેમાં વિદ્યાર્થીઓની ભરતીની દ્રષ્ટિએ આ એક અગ્રણી કંપની છે, જે ઝડપથી વિકસતો એક રૂટ છે.

75 દેશોમાં 10,000 થી વધુ એજન્ટોનું નેટવર્ક છે, જે કંપનીની સૌથી મોટી તાકાત છે. કંપની પર કોઈ દેવું નથી અને કેશ ફ્લો પણ પોઝિટિવ છે. વધુમાં જોઈએ તો, કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે, જે તેમના માટે એક મોટો પ્લસ પોઈન્ટ છે. કંપનીની આવક અને નફામાં સતત વધારો થયો છે, જે એક મજબૂત ટ્રેક રેકોર્ડ છે.

શું છે નેગેટિવ પોઇન્ટ્સ? આ આખો IPO OFS છે, જે એક નકારાત્મક બાબત છે. કંપનીના વિસ્તરણ માટે કોઈ પૈસા ઉપલબ્ધ રહેશે નહીં, બધા પૈસા પ્રમોટર્સને જશે.

કંપનીનો વ્યવસાય કેટલીક મોટી વૈશ્વિક સંસ્થાઓ પર ખૂબ જ નિર્ભર છે. જો આમાંથી એક પણ ભાગીદાર પીછેહઠ કરે છે, તો કંપનીના બિઝનેસ પર મોટી અસર પડશે. જો યુકે, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશો તેમના સ્ટુડન્ટ વિઝા નિયમો કડક કરે છે, તો કંપનીના વ્યવસાય પર સીધી અસર પડી શકે છે.

દેશો વચ્ચેના તણાવ અથવા કોઈપણ પ્રકારના જિયોપોલિટિકલ તણાવની સીધી અસર કંપનીના બિઝનેસ પર પડી શકે છે. ટૂંકમાં કહીએ તો, "નાના લિસ્ટિંગ ગેઇન" માટે આ IPO માં અરજી કરી શકાય. આનો અર્થ એ છે કે, જો તમે લિસ્ટિંગના દિવસે નાના નફાથી ખુશ છો, તો તમે આ IPO માં એક લોટ માટે અરજી કરવાનું જોખમ લઈ શકો છો.

જો તમે લિસ્ટિંગ પર તમારા પૈસા બમણા કરવા માંગો છો અથવા તો લોંગ ટર્મ માટે સુરક્ષિત રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો, તમારે કદાચ આનાથી દૂર રહેવું જોઈએ.
નોંધ: અહીં આપવામાં આવેલી IPO વિશેની માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































