Jamnagar: પ્રદર્શન મેદાનમાં યોજાયો જન્માષ્ટમીનો મેળો, લાખો લોકોએ માણ્યો મેળાનો આંનદ
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા જન્માષ્ટમીના મેળાની (Janmashtami fair) જમાવટ જોવા મળી, 4 લાખથી વધુની જનમેદની ઉમટી હતી. બે વર્ષના કોરોનાકાળ પછી યોજાયેલા શ્રાવણી મેળાનું શહેરીજનો અને ગ્રામ્યજનોએ ભરપૂર મનોરંજન માણ્યુ હતુ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન મેદાનમાં સાતમ આઠમ સહિતના જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે મેળામાં 3 દિવસ દરમિયાન 4 લાખથી વધુ ની જન્મેદની ઉમટી પડી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે પ્રદર્શન મેદાનમાં 16 દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, અને હાલમાં મેળો અમાસ સુધી ચાલુ રહેશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, તેમજ સીટી ઇજનેર ભાવેશ જાની અને કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા વગેરેની ટીમ દ્વારા મેળાનું સંચાલન કરાયુ હતુ. જામનગર મહાનગરપાલિકાના મેયર બીના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા સહિતના પદાધિકારીઓની ટીમ દ્વારા લોકોના મનોરંજન માટે 16 દિવસના શ્રાવણી મેળાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પણ આ વખતે ટ્રાફિક નો બંદોબસ્ત સારી રીતે જળવાઈ રહે, તેમજ પોલીસની સુરક્ષા વ્યવસ્થા જળવાયેલી રહે, તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને ચારથી પાંચ વખત મેળા મેદાન તેમજ મુખ્ય રોડની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા શ્રાવણી મેળામાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના ઉત્સવ પ્રેમી લોકોએ મેળાનું ભરપૂર મનોરંજન માણ્યુ હતુ અને રંગબેરંગી રોશનીથી ઝળહળતા મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.