Phone Tips : હવે નહીં ખરાબ થાય તમારો મોબાઈલ ફોન ! બસ ફોલો કરી લો આ ટિપ્સ, વર્ષો સુધી ચાલશે ફોન
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે વર્ષો સુધી તમારા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી શકો છો.

સ્માર્ટફોન આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. કોઈને તે મનોરંજન આપે છે, કેટલાકને જ્ઞાન આપે છે અને કેટલાકને રોજગાર આપે છે. આના વિના આજે કોઈ કામ થઈ શકતું નથી. ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે એકવાર સારો ફોન ખરીદે તો તે લાંબા સમય સુધી ચાલે.

વાસ્તવમાં દરેક સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ હોય છે. એક સમય એવો આવે છે જ્યારે ફોનના સોફ્ટવેર અપડેટ્સ આવવાનું બંધ થઈ જાય છે અને પછી ફોનમાં જરૂરી અપડેટ ન મળવાને કારણે તે ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં, ફોનને સતત અપડેટ કરીને તેની લાઈફને સુધારી શકાય છે. ત્યારે જો તમે પણ તમારા ફોનને લાંબો સમય સુધી વાપરવા માંગો છો અને તે ન બગડે તે ઈચ્છો છો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો.

ફોનની બેટરીની સંભાળ : ફોન સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થાય તે પહેલાં તેને ચાર્જ કરો અને 100% ચાર્જ થઈ જાય પછી ચાર્જિંગ દૂર કરો. વધુ પડતી ગરમી બેટરી પર પણ અસર કરે છે, તેથી ફોનને વધુ પડતી ગરમીથી બચાવો. આ સાથે આજકાલ, ઘણા સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરી છે, જેની બેટરી લાઈફ મર્યાદિત છે. લગભગ બે વર્ષ પછી તેની ચાર્જિંગ ક્ષમતા પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં, બેટરી 2 વર્ષ બાદ બદલવવાનું રાખો.

બિનજરૂરી એપ્લિકેશનો દૂર કરો : બિનજરૂરી એપ્સ દૂર કરો, જેથી ફોનનું સ્ટોરેજ ફ્રી રહે અને પ્રોસેસર પરનો ભાર ઓછો થાય. તમારા ફોનનો સ્ટોરેજ હંમેશા ફ્રી રાખો. વધુ પડતો ડેટા સ્ટોર કરવાથી ફોનના પરફોર્મન્સ પર અસર પડે છે.

મેગ્નેટિક અને ઈલેક્ટ્રોનિક્સ ફીલ્ડથી બચાવો : ફોનને ચુંબક વાળી વસ્તુ અને જ્યાં વધુ પાવર આવતો હોય તેવા ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોથી દૂર રાખો, કારણ કે આ ફોનની આંતરિક સર્કિટરીને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ મોબાઈલ ફોનને ચુંબકવાળી જગ્યા પરથી પણ દૂર કરો નહીં તો તે જલદી તમારો ફોન ખરાબ કરી દેશે.

સૉફ્ટવેર અપડેટ્સ : તમારા ફોનના સોફ્ટવેર અને એપ્સને સમયાંતરે અપડેટ કરતા રહો. આનાથી ફોનનું પરફોર્મન્સ સુધરે છે અને સિક્યોરિટીની ખામીઓ પણ દૂર થાય છે. ફોનને નિયમિતપણે સાફ કરો, ખાસ કરીને સ્ક્રીન અને ચાર્જિંગ પોર્ટ. ફોનના પોર્ટમાં ગંદકી અને ધૂળને કારણે સમસ્યા થઈ શકે છે. આ સાથે ફોનને પાણી વાળી જગ્યા એથી પણ દૂર રાખો

લોકલ ચાર્જરનો ઉપયોગ ન કરો: જો તમને પણ ગમે તે ચાર્જરમાં ફોન મુકવાની આદત છે તો આજે સુધારી લેજો. ફોનને ચાર્જ કરવા તેની સાથે આવેલા કે કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો. બજારમાં મળતા લોકલ ચાર્જર તમારા ફોનને જલદી ખરાબ કરી શકે છે.
