સુરત બન્યુ મોદીમય, સુરતમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતીલાલાઓને રીઝવવા માટે વડાપ્રધાન મોદી સુરત પહોંચ્યા હતા. સુરતની ધરતી પર સુરતીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે સુરત પહોંચ્યા હતા. એરપોર્ટ પર સાંજે 7 વાગ્યે વડાપ્રધાનનું પ્લેન લેન્ડ થયુ હતુ, તેમના સ્વાગત માટે ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

PM મોદીએ સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી 27 કીમીનો મેગા રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતુ.

સુરત એરપોર્ટથી મગદલ્લા, SVNIT સર્કલ, અઠવાગેટ સર્કલ, ઉધના દરવાજા, પરવત પાટિયા, પૂણા જંક્શન, કારગીલ ચોક, મોટા વરાછા સુધી રોડ શો વડાપ્રધાન મોદીનો રોડ શો ચાલ્યો હતો.

આ દરમિયાન દરેકે રૂટ પર વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન જીલતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મોદી એ તેમની કારમાં બહારની સાઈડ આવી હાથ હલાવી રોડની બંને સાઈડ ઉભા લોકોનું અભિવાદન જીલી આગળ વધી રહ્યા હતા. લોકો પણ મોદી-મોદીના નારા લગાવી સમગ્ર વાતાવરણમાં જોશ ભરી રહ્યા હતા.

મેગા રોડ શો બાદ PM મોદીએ વરાછામાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે, સુરતના લોકોએ પહેલાથી જ અમને જીતાડવાની ગેરેંટી આપી છે. હું ચૂંટણીને લઈને નથી આવ્યો, માત્ર તમારા આશિર્વાદા લેવા આવ્યો છું.

ભાજપનો ગઢ માનવામાં આવતા વરાછામાં યોજાયેલી વડાપ્રધાનની સભામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મેગા રોડ શો અને સભાની મદદથી તેમણે સુરતની 12 એ 12 વિધાનસભા બેઠકોનો પ્રચાર એક સાથે કર્યો હતો.