‘સોનું’ ₹3 લાખ અને ‘ચાંદી’ ₹5 લાખ! વર્ષ 2031 સુધીમાં રિટર્નના તમામ રેકોર્ડ તૂટશે? 3 ‘મોટા ટ્રિગર્સ’ પર સૌની નજર
શું તમે પણ સોના અને ચાંદીમાં તાજેતરમાં આવેલા મોટા કડાકાથી ગભરાઈ ગયા છો? તો રોકાણકારો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સોનાએ 100 ટકાથી વધુ અને ચાંદીએ 275 ટકાથી વધુનું તગડું રિટર્ન આપ્યું છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે, આગામી 5 વર્ષમાં એટલે કે 2031 સુધી સોના-ચાંદીના ભાવ ક્યાં પહોંચશે?

સોના અને ચાંદીના બજારમાં તાજેતરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ભલે મોટો કડાકો જોવા મળ્યો હોય પરંતુ લાંબાગાળાના રોકાણકારો માટે આ નબળાઈ કોઈ મોટી તકથી ઓછી નથી. છેલ્લા 5 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો, આ મોટા કડાકા છતાં સોનાએ રોકાણકારોને સવા 100 ટકાથી વધુ એટલે કે લગભગ 226 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે.

5 વર્ષ પહેલાં ₹46,000 પ્રતિ 10 ગ્રામ પર મળતું 'સોનું' આજે દોઢ લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીએ આ સમયગાળા દરમિયાન વધુ સારો દેખાવ કરીને પોતાના ઉચ્ચ સ્તરથી 40 ટકાથી વધુ તૂટ્યા પછી પણ રોકાણકારોની ઝોળીમાં લગભગ 275 ટકાનો નફો નાખ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, આગામી 5 વર્ષમાં એટલે કે 2031 સુધી સોના અને ચાંદીની ચાલ કેવી રહેશે? બજારના અગ્રણી બ્રોકરેજ હાઉસ અને કમોડિટી નિષ્ણાતોનું માનવું છે કે, વર્તમાન ઉતાર-ચઢાવ ફક્ત શોર્ટ ટર્મ માટે છે. બીજું કે, સોના-ચાંદીમાં લાંબાગાળાના ફંડામેન્ટલ્સ અત્યંત મજબૂત બનેલા છે.

વૈશ્વિક સ્તરે વધતી આર્થિક અસ્થિરતા, દેવાનો ભારે બોજ અને ડોલરની સંભવિત ચાલને જોતાં આગામી પાંચ વર્ષનો સમયગાળો કિંમતી ધાતુઓ માટે અદ્ભુત સાબિત થઈ શકે છે. આગામી 5 વર્ષ માટે બ્રોકરેજ ફર્મ્સે સોના અને ચાંદી પર ખૂબ જ અગ્રેસિવ અંદાજ જાહેર કર્યા છે. ઓગમોન્ટ ગોલ્ડનો અંદાજ છે કે, 'સોનું' આગામી 5 વર્ષમાં ₹3 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકે છે, જ્યારે 'ચાંદી' માટે તેમનો ટાર્ગેટ ₹5 લાખ પ્રતિ કિલોગ્રામનો છે.

ટ્રેડ બુલ્સ સિક્યોરિટીઝે સોના માટે ₹2 લાખ 30 હજાર અને ચાંદી માટે ₹5.5 લાખનો ટાર્ગેટ રાખ્યો છે. કેડિયા કમોડિટીએ સોના માટે ₹2.5 લાખ અને ચાંદી માટે ₹5 લાખના ભાવનો અંદાજ વ્યક્ત કર્યો છે.

આ સિવાય કોટક સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલ અને કમોડિટી સમાચારે પણ સોના માટે ₹70,000 થી લઈને ₹1.75 લાખ સુધીના વિવિધ સ્તરો નક્કી કર્યા છે, જ્યારે ચાંદીમાં ₹3.85 લાખથી લઈને ₹4.5 લાખ સુધીના ઊંચા લક્ષ્યાંકો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ટાર્ગેટ વર્ષ 2031 પહેલાં પણ હાંસલ થઈ શકે છે.

આ અંગે આનંદ રાઠી કમોડિટી એન્ડ કરન્સીના ડાયરેક્ટર નવીન માથુરનું કહેવું છે કે, સોનાના ભાવમાં આગામી વર્ષોમાં તેજીનું મુખ્ય કારણ અમેરિકાની નાણાકીય સ્થિતિ અને વૈશ્વિક આર્થિક દબાણ રહેવાના છે. તેમણે કહ્યું કે, અમેરિકી દેવાનો બોજ વધીને 40 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયો છે, જેના કારણે ત્યાંના અર્થતંત્ર પર ભારે દબાણ સર્જાયું છે. આ સાથે જ અમેરિકાની 10-વર્ષીય બોન્ડ યીલ્ડ 5.3 ટકા અને 30-વર્ષીય યીલ્ડ 5.63 ટકાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે, આટલા ઊંચા સ્તરે બોન્ડ યીલ્ડ વધુ સમય સુધી ટકી શકે નહીં અને જેવા જ તેમાં કેન્દ્રીય હસ્તક્ષેપ થશે, ડોલર ઇન્ડેક્સમાં કડાકો શરૂ થઈ જશે. ડોલરની આ સંભવિત નબળાઈ સીધી રીતે સોનાના ભાવને જબરદસ્ત ઉછાળો આપશે. આ સિવાય કાચા તેલના ભાવનું દબાણ સામાન્ય થવા અને વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધવાની સ્થિતિમાં સેન્ટ્રલ બેંકો તરફથી સોનાની અગ્રેસિવ ખરીદી ફરીથી તેજ થવાની પૂરેપૂરી શક્યતા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
દેશ-વિદેશમાં સપ્લાય થાય છે ‘ટનબંધ સોનું’, આખરે કયા શહેરને કહેવાય છે ‘Gold Capital of India’?
