સ્વદેશી રોબોટ બન્યો ફાયર ફાઈટર્સનો મિત્ર, જાણો 700 ડિગ્રી તાપમાન વચ્ચે કામ કરી શકતા Fire Fighter Robot વિશે
Fire Fighter Robot: દુનિયામાં રોજ ટેકનોલોજી ક્ષેત્રે નવી શોધ થઈ રહી છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામને વધારે સરળ બનાવવામાં આવી રહ્યું છે. ફાયર ફાઈટર્સના કામને સૌથી જોખમી કામ માનવામાં આવે છે, પણ ટેકનોલોજીના માધ્યમથી આ કામને પણ જોખમમુક્ત બનાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝવવા માટે ઓટોમેટિક રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્રણ મહિના પહેલા બાપુનગર વિસ્તારમાં લાગેલી આગને બુઝવવા માટે આજ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ફાયર વિભાગ પાસે છેલ્લા 3-4 વર્ષોથી આવા લગભગ 3 જેટલા સ્વદેશી ઓટોમેટિક રોબોટ છે.

ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર ફાઈટર્સ પોતાની ફાયર બ્રિગેડ પર સવાર થઈને આગ બુઝવવા પહોંચી જાય છે. આગ બુઝવવા માટે અલગ અલગ સાધનોની સાથે હવે સ્વદેશી રોબોટ પણ મદદ રુપ થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં આવા ઓટોમેટિક રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઓટોમેટિક રોબોટ ખરા અર્થમાં ફાયર ફાઈટર્સના મિત્ર બની ગયા છે. આગ બુઝવવા ફાયર ફાઈટર્સ જીવનું જોખમ દૂર કરીને આ રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે. હમણા સુધી ઘણી દુર્ઘટનાઓમાં આગ બુઝાવવા માટે આ ઓટોમેટિક રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આવા રોબોટને ઓપરેટ કરવા માટે ફાયર ફાઈટર્સ રિમોટનો ઉપયોગ કરે છે. 700 ડિગ્રી તાપમાનમાં 1 કલાકથી વધારે સમય સુધી આગ બુઝવવા માટે આ રોબોટનો ઉપયોગ થઈ શકે છે. જ્યાં ફાયર ફાઈટર્સ એન્ટ્રી ના કરી શકે ત્યાં આ આધુનિક અને તાકાતવર હથિયાર કામ લાગે છે.

આ રોબોટમાં લાગેલા કેમેરાની મદદથી ફાયર ફાઈટર્સ અંદરના ફોટોસ મેળવી શકે છે. રોબોટ સાથે વોટર ટેન્કર અને પાઈપ જોડીને આગ બુઝાવવામાં આવે છે. ધુમાડાને દૂર કરવા માટે એગ્ઝોસ્ટ ફેનનો પણ ઉપયોગ થાય છે. ઊંચા દબાણ સાથે આ રોબોટ 2400 લીટર પ્રતિ મિનિટના દરથી પાણીને પ્રેશર સાથે છોડી શકે છે. તે 100 મીટરનો વિસ્તાર કવર કરી શકે છે.