Facebook પર ચાલી રહ્યો છે ‘Look who just died’ સ્કેમ, યુઝર્સના ડેટા અને પૈસા થઈ રહ્યા છે ગાયબ
Facebook Scam: એક સમય એ ફેસબુક સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા એપ હતું. પણ કેટલાક હેકર્સને કારણે હવે તેની લોકપ્રિયતા ઘટી છે. ફેસબુક પર લોકોને લૂંટવા માટે હેકર્સ એ નવી રીત અપનાવી છે. ચાલો જાણીએ આ નવા સ્કેમ વિશે.

આજકાલ દુનિયાની મોટા ભાગની વસ્તી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. પણ કેટલાક લોકો અજ્ઞાનતાને કારણે મોટી મુશ્કેલીમાં મુકાતા હોય છે. હાલમાં ફેસબુક પર એક નવા પ્રકારના સ્કેમની શરુઆત થઈ છે.

'Look who just died' નામના સ્કેમને કારણે યુઝર્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જો તમે પણ ફેસબુક યુઝર્સ છો, તો સાવધાન થઈ જજો, કારણ કે હેકર્સ તમને પણ આ સ્કેમનો શિકાર બનાવી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, આ નવા પ્રકારનો સ્કેમ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. હૈકર્સ આ પ્રકારના મેસેજ સાથે લિંક મોકલી રહ્યા છે. જેના પર ક્લિક કરતા તેમની પાસે આઈડી અને પાસવર્ડ માગવામાં આવે છે. આ માહિતીની મદદથી હેકર્સ પોતાનું કામ આગળ વધારતા હોય છે.

ફેસબુકના આઈડી-પાસવર્ડની મદદથી હેકર્સ તમારી જન્મતારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને બેન્ક એકાઉન્ટની માહિતી જાણી લેતા હોય છે. આ માહિતીની મદદથી તેઓ તમારા ડેટા અને પૈસાનો ખોટો ઉપયોગ કરતા હોય છે.

ફેસબુક પર આ સ્કેમથી બચવા માટે તમે કોઈ પણ અજ્ઞાત લિંક પર ક્લિક ના કરો. કોઈ યુઝર જો તમને વારંવાર આવી લિંકવાળા મેસેજ કરે છે તો તેને બ્લોક કરો.