દાઉદ ઈબ્રાહિમ ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયો, જાણો પછી શું થયું?
ભારતના મોસ્ટ-વોન્ટેડ આતંકવાદી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને હંમેશા ક્રિકેટમાં ખાસ રસ હતો અને ડી કંપનીનું નામ અનેકવાર મેચ ફિક્સિંગમાં સામેલ રહ્યું છે. UAE ના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દાઉદ ઈબ્રાહિમ તેના સાગરિતો સાથે હાજર હોવાના અનેકવાર પુરાવા પણ સામે આવ્યા છે. એકવાર ભારતની મેચ દરમિયાન દાઉદ ઈબ્રાહિમ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયો હતો અને ખેલાડીઓને મોટી ઓફર કરી હતી, ત્યારબાદ જે થયું એ જાણી તમે ચોંકી જશો.

1986માં દાઉદ ઈબ્રાહિમ એકવાર ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયો હતો. તે સમયે કપિલ દેવ ભારતીય ટીમના કેપ્ટન હતા. ડ્રેસિંગમાં દાઉદની એન્ટ્રી અને તે દિવસે શું થયું તે વિશેની વાર્તા કપિલ દેવની ટીમના સાથી દિલીપ વેંગસરકરે પ્રથમ જાહેર કરી હતી.

શારજાહમાં ટીમ ઈન્ડિયાએ મેચ રમવાની હતી અને મેચ પહેલા દાઉદ ઈબ્રાહિમ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી ગયો હતો. અંડરવર્લ્ડ ડોનને બિઝનેસમેન તરીકે રજૂ કરનાર પ્રખ્યાત અભિનેતા મહેમૂદ સાથે દાઉદ ઈબ્રાહિમ ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો.

ડ્રેસિંગ રૂમમાં દાઉદે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઓફર કરી હતી. તેણે કહ્યું, "જો ભારતીય ટીમ આવતીકાલની ફાઈનલ મેચ જીતી જશે, તો તમામ ખેલાડીઓને ટોયોટા કોરોલા કાર ભેટમાં મળશે."

ઓફર સાંભળીને ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યો એકબીજાની સામે જોવા લાગ્યા. આ દરમિયાન કપિલ દેવ પ્રેસ કોન્ફરન્સ પૂરી કરીને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા અને ત્યાં પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું.

કપિલે પહેલા મહેમૂદને કહ્યું, 'મહમૂદ સાહેબ, કૃપા કરીને ડ્રેસિંગ રૂમમાંથી બહાર જાઓ.' પછી તેમની નજર દાઉદ ઈબ્રાહિમ પર પડી અને તેને જોઈને કપિલે કહ્યું, 'આ માણસ કોણ છે, યહાં સે બહાર નિકલો'.
