IND vs ENG: ક્રિકેટના મક્કામાં વિરાટ કોહલીનું અધૂરું સપનું, એકમાત્ર મેદાન જ્યાં નથી મેળવી આ સિદ્ધિ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની નિર્ણાયક વનડેમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. વિશ્વભરના લગભગ દરેક મોટા મેદાન પર રનનો વરસાદ કરનાર કિંગ કોહલી માટે લોર્ડ્સમાં મોટી ઈનિંગ રમવું હજુ પણ એક અધૂરું સપનું છે. આ ઐતિહાસિક મેદાન પર તેણે અત્યાર સુધી એક અડધી સદી પણ ફટકારી નથી. હવે નિર્ણાયક મેચમાં તેની પાસે આ ખરાબ રેકોર્ડ બદલવાની સુવર્ણ તક છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ 19 જુલાઈએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે, તેથી આ મેચ જીતનારી ટીમ સિરીઝ પર પણ કબજો કરશે. ચાહકોને સૌથી વધુ આશા વિરાટ કોહલી પાસેથી રહેશે, પરંતુ આ મેદાન પર તેના આંકડા ચિંતાજનક રહ્યા છે.

વિરાટ કોહલીએ વિશ્વના લગભગ દરેક મોટા મેદાન પર સદી અને અડધી સદી ફટકારી છે, પરંતુ લોર્ડ્સ તેની કારકિર્દીનું એકમાત્ર એવું મેદાન છે જ્યાં તે પોતાની પ્રતિષ્ઠા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા આ મેદાન પર તેનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે.

વનડે ક્રિકેટમાં વિરાટે લોર્ડ્સમાં ત્રણ મેચમાં માત્ર 77 રન જ બનાવ્યા છે. લોર્ડ્સમાં તેની સરેરાશ 25.66 રહી છે અને સર્વોચ્ચ સ્કોર માત્ર 45 રનનો છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે અહીં ત્રણ મેચમાં માત્ર 122 રન જ બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 21.16 રહી છે અને સર્વોચ્ચ સ્કોર 42 રન છે. એટલે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અહીં એક પણ વખત 50 રનનો આંકડો પાર કરી શક્યો નથી.

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં લોર્ડ્સ એકમાત્ર એવું મેદાન છે, જ્યાં તે ત્રણથી વધુ ઈનિંગ રમ્યો હોવા છતાં એક પણ અડધી સદી નોંધાવી નથી. વિશ્વના અન્ય કોઈ મેદાન પર તેના નામે આવો નબળો રેકોર્ડ નથી, જેના કારણે લોર્ડ્સમાં ફિફ્ટી અને સદી ફટકારવાનું સપનું અધૂરું રહ્યું છે.

હવે લોર્ડ્સમાં રમાનારી નિર્ણાયક વનડેમાં વિરાટ માટે આ રેકોર્ડ બદલવાની શ્રેષ્ઠ તક છે. જો કિંગ કોહલી મોટી ઈનિંગ રમવામાં સફળ રહેશે, તો તે ન માત્ર પોતાના ખરાબ રેકોર્ડને સુધારશે, પણ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની ધરતી પર શ્રેણી જીતાડવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. (PC:PTI/X)
IND vs ENG: નિવૃત્તિની ચર્ચા વચ્ચે લોર્ડ્સમાં રોહિત-વિરાટ રચશે ઈતિહાસ, ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બનશે
