Sidharth Shukla Birthday Special : માતાની એક વાતથી સિદ્ધાર્થની બદલી જિંદગી, ટીવી સુપરસ્ટાર બનાવી દીધો
Sidharth Shukla Birthday : સિદ્ધાર્થ શુક્લાએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે, એક દિવસ તે ટીવીનો આટલો મોટો સ્ટાર બનશે. સિદ્ધાર્થની માતાએ કહેલી એક વાતે તેને ટીવી સુપરસ્ટાર બનાવી દીધો.

સિદ્ધાર્થ શુક્લા આજે આપણી વચ્ચે નથી. માત્ર 40 વર્ષની ઉંમરે એક ટીવી સ્ટાર આકાશનો સ્ટાર બની ગયો. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું, પરંતુ તે આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે.

સિદ્ધાર્થ શુક્લાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે અભિનયની દુનિયામાં પગ મૂકશે. સિદ્ધાર્થને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા ન હતા, છતાં તેણે નાના પડદાની દુનિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું.

સિદ્ધાર્થનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. તેમના પિતા અશોક શુક્લા મુંબઈમાં રિઝર્વ બેંકમાં નોકરી કરતા હતા. વર્ષ 2014માં પિતાનું અવસાન થયું હતું. સિદ્ધાર્થની માતાનું નામ રીટા શુક્લા છે. સિદ્ધાર્થ બે બહેનોમાં સૌથી નાનો ભાઈ હતો.

સિદ્ધાર્થે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ પછી તેણે મુંબઈની રચના સંસદ સ્કૂલમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનની ડિગ્રી મેળવી પરંતુ સિદ્ધાર્થ એક્ટર બનવા માગતો હતો. આ માટે સિદ્ધાર્થે જીમમાં બોડી બનાવવાનું શરૂ કર્યું.

વર્ષ 2004માં સિદ્ધાર્થની માતાએ ન્યૂઝ પેપરમાં ગ્લેડ્રેગ્સ મેનહન્ટ સ્પર્ધાની જાહેરાત જોઈ અને કહ્યું કે, 'તું કોલોનીના છોકરાઓ વચ્ચે તારા શરીરની બોડી બતાવતો ફરે છે તો તારે આ બધું કરવું હોય તો આ ગ્લેડ્રેગ્સ મેનહન્ટ સ્પર્ધામાં ભાગ લે. માતાની વાત સાંભળીને સિદ્ધાર્થ સ્પર્ધામાં ભાગ લેવા ગયો અને જીતી ગયો.

આ પછી તેને ટીવી જાહેરાતો મળવા લાગી. વર્ષ 2008માં સિદ્ધાર્થ શુક્લાએ ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેણે બાબુલ કા આગન છૂટે ના સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી 'લવ યુ ઝિંદગી' અને પછી બાલિકા વધૂ સિરિયલમાં જોવા મળ્યો. સિદ્ધાર્થ શુક્લાને બાલિકા વધુથી વિશેષ ઓળખ મળી.

ડેઈલી શોમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ સિદ્ધાર્થે 2013માં રિયાલિટી શો ઝલક દિખલા જા સિઝન 6માં ભાગ લીધો હતો. આ વર્ષે સિદ્ધાર્થ 'ખતરો કે ખિલાડી'નો વિજેતા બન્યો હતો. બિગ બોસ 13થી સિદ્ધાર્થે ઘણું નામ કમાયું. લોકોને ઘરમાં સિદ્ધાર્થ અને શહનાઝની જોડી પસંદ આવી હતી. તેમનો પ્રેમ ઘરની બહાર ખીલ્યો અને આ જોડી લોકોનું ફેવરિટ કપલ બની ગયું.

સિદ્ધાર્થને 2012 ગોલ્ડન પેટલ એવોર્ડની બે કેટેગરી માટે એવોર્ડ મળ્યો, જેમાં મોસ્ટ પોપ્યુલર ફેસ મેઈલ, બેસ્ટ ઓન સ્ક્રીન કપલ્સ ઓન કલર્સનો સમાવેશ થાય છે. સિદ્ધાર્થને 2017માં મોસ્ટ સ્ટાઇલિશ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.