દીપિકા પાદુકોણની વર્ષ 2024માં આ 4 ફિલ્મોથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ
આજે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો જન્મદિવસ છે. તેમના 38માં જન્મદિવસના અવસર પર તમને તેની અપકમિંગ ચાર મોટા બજેટની ફિલ્મો વિશે જણાવીએ. દીપિકાની ફિલ્મ ફાઈટર' અને 'સિંઘમ અગેન' સિવાય દીપિકાની વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે.

દીપિકા પાદુકોણ હિન્દી ફિલ્મ ઉદ્યોગની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. દીપિકાએ તેની 16 વર્ષની એક્ટિંગ કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. પરંતુ વર્ષ 2023 તેના માટે સૌથી ખાસ હતું. વર્ષ 2023માં દીપિકાની બે ફિલ્મો- 'પઠાણ' અને 'જવાન' રીલિઝ થઈ હતી.

આ બંને ફિલ્મો સુપર-ડુપર હિટ સાબિત થઈ અને દીપિકા વર્ષ 2023માં તેની ફિલ્મો દ્વારા 2200 કરોડ રૂપિયા (પઠાણ અને જવાનનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન) બોક્સ ઓફિસ કલેક્શન કરનાર એકમાત્ર એક્ટ્રેસ બની. રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણની આ સફળતા જોઈને મેકર્સે તેના પર 1450 કરોડ રૂપિયાની દાવ લગાવી દીધી છે.

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે અને તેનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યારબાદ તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળશે. 200 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 15 ઓગસ્ટે થિયેટરોમાં આવશે.

ફાઈટર' અને 'સિંઘમ અગેન' સિવાય દીપિકાની વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. પહેલી 'કલ્કી 2898 એડી' પ્રભાસ સાથે અને બીજી 'બ્રહ્માસ્ત્ર 2' રણબીર કપૂર સાથે.

રિપોર્ટ મુજબ 600 કરોડના બજેટ સાથે તૈયાર થઈ રહેલી 'કલ્કી 2898 એડી' વર્ષ 2024માં જ રિલીઝ થશે. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. 400 કરોડના બજેટવાળી 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 2' વર્ષ 2025માં થિયેટરોમાં આવી શકે છે.
