નાના બેબીને દાંત આવી રહ્યા છે ? તો આ વાતનું ધ્યાન રાખશો તો નહીં થાય કોઈ સમસ્યા
નાના બેબીના દાંત લગભગ 6 થી 7 મહિનામાં આવવા લાગે છે. આ સમયગાળા દરમિયાન બાળકને પેઢામાં દુખાવો, સોજો, લૂઝ મોશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે બાળક નબળું અને તેનો સ્વભાવ ચીડચીડિયો બની જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

નાન બાળકોના દાંત 6 થી 7 મહિનાની ઉંમરે બહાર આવવા લાગે છે. બાળકો માટે આ સમય થોડો મુશ્કેલ છે. જ્યારે બાળકોને દાંત આવતા હોય છે, ત્યારે તેઓના પેઢામાં દુખાવો થતો હોય છે. જેના કારણે બાળકો વારંવાર ચિડાઈ જાય છે. રડ્યા કરે છે. આ સાથે બાળકોને દાંત આવતા હોય તે દરમિયાન લૂઝ મોશનની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સામાન્ય હોવા છતાં તે બાળકોમાં નબળાઈ લાવી શકે છે. તેથી આ સમયે શિશુની વધુ કાળજી લેવાની જરૂર છે. જો બાળકોને નવા દાંત ફુટતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ સમસ્યા થશે નહીં.

માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે : બાળકોને દાંત આવવાના સમયે તેમના પેઢામાં દુખાવો અને સોજો આવી શકે છે. જેના કારણે બાળકો ઘણી વખત રડતા જ રહે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમારા હાથને સારી રીતે સાફ કર્યા પછી અને પેઢા પર હળવા દબાણથી માલિશ કરવી જોઈએ. તેનાથી ઘણી રાહત મળશે. આ સિવાય તમે બાળકના ગાલ અને જડબાના વિસ્તારને ઓર્ગેનિક તેલથી હળવો મસાજ કરી શકો છો.

પ્રવાહી આપવું જરૂરી છે : જો બાળકને લૂઝ મોશન હોય તો ડોક્ટરની યોગ્ય સલાહ લેવી અને O.R.S સોલ્યુશન આપતા રહો. દાંત આવતી વખતે બાળકને ગ્રાઇપ વોટર આપી શકાય છે. આનાથી પેટના દુખાવામાં રાહત મળે છે, પરંતુ જથ્થાનું ધ્યાન રાખો. પાણી પીવડાવવાની સાથે-સાથે બાળકને અન્ય પ્રવાહી પણ આપતા રહો. જેથી શરીરમાં પાણીની કમી ન થાય.

આ વસ્તુઓ ખાવા માટે આપો : બાળકોને દાંત આવવા દરમિયાન નબળાઈ અનુભવાય છે. તેથી તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. બાફેલા શાકભાજી, વેજીટેબલ સૂપ, ફ્રુટ પ્યુરી, પીસેલા કેળા, દલિયા, ઓટ્સ, સોફ્ટ મગની દાળની ખીચડી, દાળનું પાણી જેવી વસ્તુઓનો બાળકના આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી કરીને તે નબળાઈ ન અનુભવે.

પેઢાને સાફ કરવું જરૂરી છે : બાળકને ખવડાવ્યા પછી પેઢાંને સાફ કરવા પડે છે. કેમ કે ખોરાકના કણો પેઢાં પર ચોંટી જાય છે, જેનાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તે ચેપનું કારણ બને છે. સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા સ્વચ્છ નરમ કપડાંને ભીનું કરીને હળવા હાથે પેઢાંને સાફ કરવા જોઈએ. (નોંધ : બાળકને દાંત બાબતે વધારે સમસ્યા હોય તો ડોક્ટરને અવશ્ય બતાવવું જોઈએ. ટીપ્સ ફોલો કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.)
