હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને કહ્યું- સંબંધ સુધારવાની જવાબદારી એકલા ભારતની નહીં
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ બે દિવસ પહેલા પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે પહેલાથી જ બરબાદ થઈ ગયું છે, તેથી પાકિસ્તાને આ વિશે વિચારવું જોઈએ. યુદ્ધ માત્ર બંને દેશોમાં વિનાશનું કારણ બનશે, તેનાથી વધુ કંઈ નહીં. હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને સલાહ આપી છે.
ફારુક અબ્દુલ્લા બાદ હવે તેમના પુત્ર અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનને ચોખ્ખે ચોખ્ખુ સંભળાવ્યું છે. બંને દેશો વચ્ચે સારા સંબંધોને લઈને પાકિસ્તાનને સલાહ આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે સારા સંબંધો જાળવવાની જવાબદારી ફક્ત આપણા દેશની જ નથી, વધુ સારા અને સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની જવાબદારી પાકિસ્તાનની પણ છે. શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાને હવે પોતાની ભૂમિકા ભજવવી પડશે.
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ, પાકિસ્તાનને તેની જવાબદારીથી વાકેફ કરતા કહ્યું, “મેં હંમેશા કહ્યું છે કે આ બંને દેશો વચ્ચે સારા સંબંધો જાળવવાની જવાબદારી માત્ર આપણા દેશની જ નથી પાકિસ્તાનની પણ છે. જો સારા સંબંધો બનાવવા હોય તો આ અભિયાનમાં પાકિસ્તાનને પણ તેની ભૂમિકા અદા કરવાની જવાબદારી છે.
પાકિસ્તાને તેની ભૂમિકા ભજવવી જોઈએ
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અંગે ઓમરે કહ્યું કે, “આવા હુમલાઓ થવા જોઈએ નહીં. અત્યારે જે પ્રકારનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તે ના થવું જોઈએ, પાકિસ્તાને પણ આ મામલે પોતાની ભૂમિકા ભજવવી પડશે જેથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે.
#WATCH | Srinagar: On Indian cricket team unlikely to go to Pakistan for ICC Champions Trophy, Jammu and Kashmir National Conference leader Omar Abdullah says, “What is new in this? Both countries have not played bilateral series for many years, it is BCCI’s own decision not to… pic.twitter.com/MGnDXCeLsA
— ANI (@ANI) July 11, 2024
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવા પર પૂર્વ મુખ્યમંત્રી ઓમરે કહ્યું, “આ નવી વાત શું છે? છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ટીમ ઈન્ડિયાનો ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન ના જવાનો નિર્ણય BCCIનો પોતાનો નિર્ણય છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. જોકે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયનશિપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
પાકિસ્તાન પહેલેથી જ બરબાદ થઈ ગયું છેઃ ફારૂક
બે દિવસ પૂર્વે ઓમર અબ્દુલ્લાના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આતંકવાદ કોઈને મદદ કરતું નથી. પાકિસ્તાન દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા આતંકવાદીઓનું માનવું છે કે જો તેઓ આતંકવાદી ઘટનાઓ દ્વારા કાશ્મીરમાં પરિવર્તન લાવવામાં સક્ષમ છે તો આવું ક્યારેય નહીં બને. તેઓ સદાય નિષ્ફળ જશે.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુકે પાકિસ્તાન પર ગુસ્સે થઈને કહ્યું કે પાકિસ્તાન પહેલાથી જ બરબાદ થઈ ગયું છે, તેથી પાકિસ્તાને આ વિશે વિચારવું જોઈએ. યુદ્ધ માત્ર બંને દેશોમાં વિનાશનું કારણ બનશે, તેનાથી વધુ કંઈ નહીં. પાકિસ્તાને અહીં આતંકવાદી ગતિવિધિઓ બંધ કરવી જોઈએ. પાકિસ્તાન જે કરી રહ્યુ છે તે સંપૂર્ણપણે ખોટું છે.